અક્ષરધામ મંદિર પાસે ધોળે દિવસે પોલીસ પર ફાયરીંગ,સામ-સામે ફાયરીંગથી સનસનાટી

દિલ્હીના અક્ષરધામ મંદિર પાસે રવિવારે સવારે ચાર જેટલા અજાણ્યા ઈસમો અને પોલીસ વચ્ચે સામ-સામે ફાયરીંગની ઘટનાથી સનસનાટી મચી જવા પામી હતી. સવાર 11 વાગ્યે પોલીસની વાન પર કારમાં આવેલા તત્વોએ ફાયરીંગ કર્યું હતું. પોલીસે વળતો જવાબ આપી ફાયરીંગ કર્યું હતું. ફાયરીંગ કરનારા તત્વો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

માહિતી મુજબ અક્ષરધામ મંદિર પાસે જ્યારે પોલીસે કારમાં સવાર ફાયરીંગ કરનારા તત્વોને અટકાવવાનો પ્રયાસ કર્યો તો હુમલાખોરોએ પોલીસની વાન પર ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે સામે ફાયરીંગ કર્યું હતું. પોલીસને કાર્યવાહીથી ગભરાયેલા હુમલાખોરો ઘટના સ્થળથી ભાગી છૂટ્યા હતા. હુમલાખોરો અક્ષરધામથી ગીતા કોલોની તરફ ભાગ્યા હતા. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

દિલ્હી-એનસીઆરમાં હુમલાખોરો અને પોલીસ વચ્ચે અથડાણમની ખબર વાયુવેગે પ્રસરી ગઈ હતી. શુક્રવારે દિલ્હી પોલીસે દ્વારકાના જાફરપુર કલામાંથી અથડામણમાં બાદ ત્રણ ગેંગસ્ટરોને ઝડપી પાડ્યા હતા. આ અથડામણમાં નંદુ ગેંગના એક ગેંગસ્ટરને ગોળી પણ વાગી હતી.

નોંધનીય છે કે મંગળવારે નોઈડાના સેક્ટર-39માં પણ પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચે અથડામણ થઈ હતી અને જેના માથે ઈનામ હતું તેવા ગેંગસ્ટરને પોલીસે ઝબ્બે કર્યો હતો. અથડામણ દરમિયાન થયેલા ફાયરીંગમાં ગેંગસ્ટરને પગમાં ગોળી વાગી હતી. ત્યાર બાદ પોલીસ તેને પકડી લેવામાં સફળ રહી હતી.