રાજસ્થાન: ચાર હાથ, ચાર પગ સાથે જન્મી બાળકી, ડોક્ટરોએ કર્યો આવો ચોંકાવનારો ખુલાસો

રાજસ્થાનના ટોંક જિલ્લામાં એક એવી બાળકી જન્મી છે જે જન્મની સાથે જ ફેમસ થઈ ચુકી છે. આ બાળકીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ અંગે મળતી વિગતોનુસાર ટોંક જિલ્લાના દડાવતા નામના ગામમાં એક દંપતિના ઘરે એક દીકરા અને એક દીકરીનો જન્મ થયો છે. તેમનો દીકરો તો નોર્મલ છે પરંતુ તેમની દીકરીના શરીર સાથે અન્ય એક બાળકનું શરીર ચોંટેલું છે. આ બાળકીના ધડ સાથે અન્ય એક અર્ધવિકસિત ભ્રૂણ ચોંટેલું છે. આ દીકરીને બે હાથપગ સાથે અન્ય અંગ પણ વિકસિત થયેલા છે.

ડોક્ટરોના જણાવ્યાનુસાર મહિલા રાજૂદેવીના ગર્ભમાં ત્રણ ભ્રૂણ હતા. તેમાંથી બે સામાન્ય રહ્યા જ્યારે ત્રીજું વિકસિત થઈ શક્યું નહીં અને તે ત્રીજું ભ્રૂણ બાળકીના શરીર સાથે એ રીતે ચોંટી ગયું કે જાણે તે બાળકીને જ ચાર હાથ અને ચાર પગ હોય.

ડોક્ટરોના જણાવ્યાનુસાર આ પ્રકારની ઘટના અહીં પહેલીવાર બની છે. જો કે આ બાળકીની તબીયત નાજુક હોવાથી તેને જયપુર સારવાર અર્થે ખસેડવામાં આવી છે.