સમગ્ર આરટીઓ સિસ્ટમને ઓનલાઈન કરવાનું પ્લાનીંગ

મોટર વ્હીકલ એકટના દંડમાં ઘટાડો કર્યા બાદ હવે ગુજરાત સરકાર સમગ્ર આરટીઓ સિસ્ટમને ઓનલાઈન કરવાનું આયોજન કરી રહી છે. એકવાર સિસ્ટમ ઓનલાઈન થઈ ગયા પછી તેને ઓપરેટ કરવા માટે પ્રાઈવેટ કંપનીને સોંપી દેવાની વિચારણા કરવામાં આવી રહી છે. સર્વર સ્લો હોવાની તથા રેકોર્ડ મળી રહ્યા ન હોવાની બૂમરાણમાંથી સિસ્ટમને બહાર કાઢવા અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે.

નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી બાદ ડોક્યુમેન્ટસ માટે લોકો આરટીઓ કચેરીઓ પર લાંબી લાંબી લાઈનો લગાવી રહ્યા છે અને ચારે તરફ દેકારો મચી ગયો હોવાથી સરકારે આવો નિર્ણય કર્યો છે. નવા ડ્રાઈવીંગ લાયસન્સ, લાયસન્સ રીન્યુ, વાહનની આરસી બુકના કાગળો અને અન્ય દસ્તાવેજો મેળવવા દરેક જિલ્લાની આરટીઓમાં વાહનચાલકોના ટોળા ઉમટી રહ્યા છે. હેલ્મેટ અને પીયુસી અંગેના નવા નિયમોને સરકારે 15 ઓકટોબર સુધી મોકુફ રાખ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જણાવ્યુ હતુ કે લોક વિરોધ સરકાર સામે ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે તે માટે સરકાર આ યોજના સાત બેઠકોની પેટાચૂંટણી અને ડિસેમ્બરમાં થનારી આઠ કોર્પોરેશનોની ચૂંટણી પહેલા જ શરૂ કરવા માંગે છે.

લોક વિરોધને પોતાની વિરૂદ્ધ થતો હોવાનું જોઈને સરકારે લોકો માટે આ કાર્યવાહી સરળ બનાવવાનું નક્કી કર્યુ છે. સૂત્રોએ કહ્યું કે સરકાર આરટીઓ સિસ્ટમને પાસપોર્ટ સેન્ટરની કાર્યવાહી જેવી બનાવવા માંગે છે. પાસપોર્ટ ઓફિસની મોટાભાગની પ્રક્રિયા ઓનલાઈન થાય છે. એક ખાનગી એજન્સી આ સિસ્ટમનું સંચાલન કરે છે અને સરળતાથી ચલાવે છે. સરકાર આ મોડલ આરટીઓના કામ માટે અપનાવવા વિચારી રહી છે. લોકોએ તો પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા આરટીઓ કચેરીએ જેવુ પડશે પણ બાકીનું પેપરવર્ક તથા પેમેન્ટ વગેરે ઓનલાઈન થઈ શકશે. આના લીધે વચેટીયાઓ અને ભ્રષ્ટાચારને પણ દૂર કરી શકાશે.’ અત્યારે મોટાભાગની આરટીઓ કચેરીઓમાં સ્ટાફની 40 ટકા અછત છે. નવા લાયસન્સ મેળવવા માટેની એપોઈન્ટમેન્ટમાં મહિનાઓ લાગી જાય છે.