કોર્પોરેટ ટેક્સના ઘટાડાને વધાવતું શેરબજાર, 10 વર્ષમાં એક જ દિવસે આવ્યો આટલા પોઈન્ટનો જબ્બર ઉછાળ

નાણાં મંત્રી સીતારમણેની વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને કંપનીઓના કોર્પોરેટ ટેક્સમાં રાહતની જાહેરાતથી શુક્રવારે મુંબઈ શેરબજારમાં જબ્બર તેજી જોવા મળી હતી. બીએસઈ બેન્ચમાર્ક સેન્સેક્સ પ્રોત્સાહક જાહેરાતો પાછળ 1,921.15પોઈન્ટ ઊંચકાયો હતો જે છેલ્લા એક દાયકાનો શેરબજારનો સૌથી મોટો ઉછાળો રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ 36,215ની સપાટીએ ખૂલ્યા બાદ સિતારમની જાહેરાતને પગલે ઝડપથી ઉછળીને 38,000ને સ્પર્શ્યો હતો. પાછલા દસ વર્ષમાં એક જ દિવસમાં આટલો મોટો ઉછાળ પહેલી વખત જોવા મળ્યો હતો.

એનએસઈ બેન્ચમાર્ક નિફ્ટી પણ 660 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 11,370ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. અર્થતંત્રને વૃદ્ધિના પાટા પર પરત લઈ આવવા માટે શુક્રવારે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમને કંપનીઓ પરનો કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 25.17 ટકા કરવાની જાહેરાત કરી હતી. અગાઉ કોર્પોરેટ ટેક્સ 30 ટકા હતો.

આ ઉપરાંત વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો પર બજેટમાં વધારાનો સુપર રીચ ટેક્સ નાંખવામાં આવ્યો હતો તેને પરત ખેંચવાની મહત્વની જાહેરાત પણ સિતારમને કરી હતી. તેમજ એસટીટી લાગુ થતો હોય તેવી કંપનીઓના શેરના વેચાણ પર થતા મૂડી લાભ પર વધારાયેલા સુપર રીચ ટેક્સમાં પણ રોકાણકારોને છૂટ આપવામાં આવી છે. આ જાહેરાતને પગલે શેરબજારમાં તેજીનું તોફાન જોવા મળ્યું હતું.

ઓટો અને બેન્કિંગ શેરોમાં ઓલરાઉન્ડ લેવાલી જોવા મળી હતી. મારુતિ સુઝુકી, એચડીએફસી બેન્ક, એમએન્ડએમ, તાતા મોટર્સ, યસ બેન્ક, તાતા સ્ટીલ, એલએન્ડટી, આસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ઓટો અને રિલાયન્સના શેરમાં 9 ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ફોરેક્સમાં રૂપિયો પણ ડોલર સામે 66 પૈસા સુધરીને 70.68ના સ્તરે મજબૂત થયો હતો.