દિવાળી પહેલાં ઉદ્યોગોને ગિફટ, કોર્પોરેટ ટેક્સ ઘટાડી 25.17 ટકા કરાયો

દિવાળી પહેલાં કોર્પોરેટ ક્ષેત્રને બૂસ્ટઅપ આપવા માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે કેટલીક મહત્વની જાહેરાત કરતા દેશમાં કાર્યરત કંપનીઓ પરના કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરતા રાહત આપી છે. આ ઉપરાંત વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા શેર કે ડેરિવેટિવ્ઝના વેચાણ ઉપર મળેલા મૂડી લાભ ઉપર પણ સુપર રીચ ટેક્સ નહીં લાગે તેવી મહત્વની જાહેરાત નાણાં મંત્રીએ કરી હતી.

સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે મહત્વના બૂસ્ટર ડોઝની જાહેરાત કરાઈ હતી. સિતારમને જણાવ્યું કે વર્તમાન સ્થાનિક કંપનીઓ પરનો કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 25.17 ટકા કરવામાં આવ્યો છે. આમાં સેસ તેમજ સરચાર્જનો પણ સમાવેશ થઈ જાય છે. નવા ઘટાડાયેલા કોર્પોરેટ ટેક્સના દરનો અમલ 1લી એપ્રિલથી શરૂ થયેલા નાણાકીય વર્ષથી થશે.

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી તેમજ અન્ય રાહતથી કેન્દ્રની આવકમાં 1.45 લાખ કરોડનો વાર્ષિક ઘટાડો થશે. દેશમાં રોકાણ અને વિકાસને વેગ આપવાના હેતુથી આ પગલાં લેવાયા હોવાનું સિતારમને જણાવ્યું હતું.

કોર્પોરેટ ટેક્સનો લાભ લેવા માંગતી કંપનીઓએ અન્ય લાભો જતા કરવા પડશે તેમ નાણાં મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. આવક વેરા કાયદો અને નાણાં કાયદામાં આ ફેરફારને વટહુકમ દ્વારા અમલમાં લવાશે. જે કંપની 22 ટકા આવકવેરાનો વિકલ્પ પસંદ કરશે તેને મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ ચૂકવવો નહીં પડે તેમ સિતારમને જણાવ્યું હતું.

1લી ઓક્ટોબર બાદ અસ્તિત્વમાં આવતા નવા ઉત્પાદન એકમોને 15 ટકા ટેક્સ ચૂકવવો પડશે અને કોઈ અન્ય લાભ મેળવી શકશે નહીં. સેસ અને સરચાર્જ સહિત આ કંપનીઓ માટેનો વેરાનો દર 17.01 ટકા રહેશે. સિતારમને જણાવ્યું હતું કે કંપનીઓ ટેક્સ હોલિડે અને અન્ય રાહતોની સમાપ્તી બાદ નીચા ટેક્સ રેટ માટેનો વિકલ્પ પસંદ કરી શકે છે.

સિતારમને જણાવ્યું હતું કે જે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ માટે જવાબદાર કંપનીના શેરના વેચાણ પર થતા મૂડી લાભમાંથી રોકાણકારોને છૂટ આપવામાં આવી છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે બજેટમાં શેરના વેચાણ પર થતા કેપિટલ ગેઈન ઉપર વધારાનો સરચાર્જ પણ નહીં વસૂલવામાં આવે તેવી મહત્વની જાહેરાત નાણાં મંત્રીએ કરી હતી.