હિન્દી દિવસ પર ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલા સમગ્ર દેશમાં હિન્દી ભાષા જ હોવાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે 14મી સપ્ટેમ્બરે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમિત શાહના નિવેદન પર સતત વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ભારતના નેતાઓએ અમિત શાહની વિરુદ્વમાં આવી ગયા છે. હવે સાઉથના સુપર સ્ટાર રજનીકાંતે કહ્યું છે કે કોઈના ઉપર પણ હિન્દીને ઠોકી બેસાડવામાં આવવી જોઈએ નહીં.
નોંધનીય છે કે રજનીકાંતને ભાજપની નજીકના મનાય છે અને પીએમ મોદીના પણ નિકટ હોવાની ચર્ચા છે. રજનીકાંતે કહ્યું કે હિન્દીને ઠોકી બેસાડવાની જરૂર નથી. માત્ર તામિલનાડુ જ નહીં બલ્કે કોઈ પણ દક્ષિણી રાજ્ય પર હિન્દી ઠોકી બેસાડવામાં આવશે તો તે સ્વીકાર્ય રહેશે નહીં. હિન્દી જ શું કામ, કોઈ પણ ભાષાને કોઈના ઉપર પણ ઠોકી બેસાડવાની જરૂર નથી. સામાન્ય ભાષા હોય છે તે દેશની એકતા અને પ્રગતિ માટે સારી વાત છે પણ કોઈ એક ભાષાને જબરદસ્તીથી ઠોકી બેસાડવાની વાતનો સ્વીકાર કરવામાં આવશે નહીં. તામિલનાડુ જ નહી પણ દક્ષિણનો કોઈ પણ રાજ્ય આનો સ્વીકાર કરશે નહીં. ઉત્તર ભારતમાં પણ કેટલાક રાજ્યો આનો સ્વીકાર કરશે નહીં.
ગૃહમંત્રી અમિત શાહે શનિવારે દેશને એક ભાષા તરીકે હિન્દીને અપનાવવાની વકીલાત કરી હતી. ત્યાર બાદ આ મુદ્દા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે અને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે પણ કહ્યું કે બંધારણે સંવેદનશીલ મુદ્દાઓનું સમાધાન કર્યું છે તેના પણ વિવાદ કરવાની આવશ્યક્તા નથી.