અમેરિકામાં પાકિસ્તાની નાગરિકના પ્રોગ્રામને લઈ કુમાર શાનુ, ઉદિત નારાયણ અને અલ્કા યાજ્ઞિકને નોટીસ, જશે તો બોયકોટ કરાશે

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડીયા સીને એપ્લોઈઝ(FWICI) દ્વારા સિંગર કુમાર શાનુ, અલ્કા યાજ્ઞિક અને ઉદિત નારાયણને નોટીસ મોકલવામાં આવી છે. FWICIએ ત્રણેય ગાયકોને 17મી નવેમ્બરે પાકિસ્તાની નાગરિક મોઅઝ્ઝમા હુનઈન દ્વારા આયોજિત કરાયેલા પ્રોગ્રામમાં પર્ફોર્મ કરતાં પહેલા પુનવિચાર કરવાની તાકીદ કરી છે.

ફિલ્મ અને ટેલિવિઝન જગતના 32 એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરતા FWICIએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જો આ કલાકારો પાકિસ્તાન પ્રત્યે પ્રેમ બંધ નહીં કરશે તો ફેડરેશન તેમનો બોયકોટ કરશે. ફેડરેશનમાં 10 લાખ કરતા વધુ મેમ્બરો છે. નોટીસમાં જણાવાયું છે કે હાલ પાકિસ્તાન સાથે સંબંધ સાર રહ્યા નથી અને જમ્મૂ-કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન જે પ્રકારે નિવેદનો કરી રહ્યું છે અને ભારત પ્રત્યે ઝેર ઓકી રહ્યું છે તેવા સમયે કલાકારોએ દેશ પ્રતિ નિષ્ઠાવાન હોવું જરૂરી છે.

આ પહેલાં સિંગર મીકાસિંહે પાકિસ્તાનના અરબપતિ વેપારી અદનાન અસદના કાર્યક્રમમાં હાજરી આપી હતી તો ફેડરેશને બેન મૂકી દીધો હતો. મીકાસિંહે ફેડરેશનની ઓફીસે જઈ દેશવાસીઓની માફી માંગી લેતા પ્રતિબંધ હટાવી લેવાયો હતો.