ટ્રાફિકના નવા નિયમ પ્રમાણે સુરતમાં સૌથી પહેલાં ખાખી વર્દીવાળા દંડાયા, એક સાથે ફાટ્યા ઢગલાબંધ મેમો

આજથી સમગ્ર ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. સુરતમાં પણ સખ્તાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતમાં ટ્રાફિકના નવા નિયમ પ્રમાણે સૌ પહેલાં ટ્રાફિકની શિસ્તનો કોરડો ખાખી વર્દીવાળા પર જ વિંઝાયો છે.

સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર હરિકૃષ્ણ પટેલે ટ્રાફીકના નવા નિયમોના પાલન અગેં સુરત પોલીસને સજ્જ કરી દીધી છે. ટ્રાફિકના નવા નિયમોનું અમલીકરણ થવાનું છે,ત્યારે રાજયભરમાં પોલીસે તૈયારી કરી લીધી છે. નવા નિયમોને લઈ સુરત ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઇ છે. ટ્રાફિકના નવા નિયમોને લઇ દંડની કાર્યવાહી અને માહિતી માટે રોલકોલ યોજાયો હતો. આ રોલ કોલમાં ટ્રાફિક SP, PI, PSI, જવાનો અને TRBના જવાનો હાજર રહ્યા હતા. ટ્રાફિક ડીસીપી તમામ પોલીસકર્મીઓને નિયમોનું પાલન કરવા સૂચના અને પાલન કરાવવા માહિતી આપી હતી.

રોલ કોલમાંથી બહાર નીકળેલા કેટલાય પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ હેલ્મેટ પહેર્યા વગર આવ્યા હતા. જેવા તેઓ બહાર નીકળ્યા કે તરત જ તેમને હેલ્મેટ નહીં પહેરવા બદલ 500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.

કેટલા પોલીસવાળાને દંડ કરવામાં આવ્યો છે તેની વિગતોની રાહ જોવામાં આવી રહી છે. સુરત પોલીસે નવા નિયમોનું પાલન એક દિવસ પહેલાંથી જ પોતાના વિભાગના જ કર્મચારીઓ વિરુદ્વ દંડનાત્મક કાર્યવાહી કરી શરૂ કરી દીધો હતો.

સુરતમાં પોલીસ કર્મીઓ માટે કમિશનરે પરિપત્ર જાહેર કર્યો હતો અને તેમાં જણાવાયું હતું કે . જો ટ્રાફિક રૂલ્સ તોડ્યા તો દંડ સિવાય વધારાના 1000 રૂપિયા ભરવા પડશે.

પોલીસ દ્વારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપરાંત કાર અને પોલીસ વાનના ડ્રાઈવરોને પણ નિયમોનું ચૂસ્તપણે પાલન કરવાના નિર્દેશ સુરત પોલીસ કમિશનરે આપી દીધા છે. આજથી નવા નિયમો પ્રમાણે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં પોલીસ ટ્રાફિકના કાયદાનું પાલન કરવા રસ્તા પર તૈનાત કરી દેવામાં આવી છે.