દાઝ્યા પર ડામ: જો આ બેન્કમાં અકાઉન્ટ છે તો 16મી ઓક્ટોબરથી લાગશે તમને મોટો ઝટકો

પ્રાઈવેટ બેન્કીંગના કારણે બેન્કીંગ સિસ્ટમ અંગે કાયમ વિવાદ અને ચર્ચા થતી રહે છે. ડિજીટલ આપ-લેને પ્રોત્સાહિત કરવાની આડમાં બેન્કો દ્વારા ઝીરો બેલેન્સ અકાઉન્ટ હોલ્ડર્સ પાસેથી હવે પોતાનો ચાર્જ લાગૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આર્થિક ભીંસ, મંદીમાં લપેટાયેલા લોકોને દાઝ્યા પર ડામ દેવા જેવું કામ કરવામાં આવી રહ્યું છે.

ICICI બેન્કમાં તમારું અકાઉન્ટ છે અને તે ઝીરો બેલેન્સ અકાઉન્ટ છે તો આવનાર સમયમાં બ્રાન્ચમાંથી રોકડ કાઢવા પર ચાર્જ આપવો પડશે. ICICIએ ઝીરો બેલેન્સ અકાઉન્ટ હોલ્ડર્સ માટે 16મી ઓક્ટોબરથી કોઈ પણ શાખામાંથી કેશ વિથડ્રો કરવા પર 100થી 125 રૂપિયા ચાર્જ વસૂલવાની જાહેરાત કરી છે. ગ્રાહકોએ હવે આ ભારણ સહન કરવો પડશે.

ICICI બેન્કના જણાવ્યા પ્રમાણે રૂપિયા કાઢવા ઉપરાંત જો ઝીરો બેલેન્સ અકાઉન્ટમાં ગ્રાહક મશીન મારફત રૂપિયા જમા કરાવે છે તો તેને પણ અલગ રૂપિયા ચૂકવવાના રહેશે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે ICICI બેન્કે શુક્રવારે રાત્રે એક નોટીસ ઈશ્યુ કરી કહ્યું કે અમે અમારા ગ્રાહકોને બેન્કીંગ ટ્રાન્ઝેક્શન ડિજીટલ મોડમાં કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

બેન્કે દલીલ આપી છે કે દેશ ડિજીટલ ઈન્ડીયાની તરફ આગેકૂચ કરી રહ્યું છે. આના કારણે મોબાઈલ બેન્કીંગ અથવા ઈન્ટરનેટ બેન્કીંગ મારફત થતાં NEFT, RTGS અને UPI ટ્રાન્ઝેક્શનના તમામ ચાર્જ ખતમ કરી દેવામાં આવ્યા છે.

નોંધનીય છે તે ICICI  બેન્કની બ્રાન્ચમાંથી 10 હજાર રૂપિયાથી લઈ 10 લાખ રૂપિયા સુધીના NEFT ટ્રાન્ઝેક્શન પર 2.25 રૂપિયાથી લઈ 24.7 રૂપિયા( જીએસટી અલગથી)નો ચાર્જ ચૂકવવો પડે છે. ચજ્યારે બ્રાન્ચમાંથી RTGS ટ્રાન્ઝેક્શન માટે 20 રૂપિયાથી લઈ 45 રૂપિયા સુધી(જીએસટી અલગથી) ચૂકવવો પડે છે.

બેન્કે સ્પષ્ટ રીતે કહ્યું છે કે જે લોકોના ઝીરો બેલેન્સ અકાઉન્ટ છે તે અન્ય બેઝીક અકાઉન્ટમાં બદલી નાંખે અથવા તો જો એમ ન કરી શકતા હોય તો પોતાનું અકાઉન્ટ બંધ કરી દે.