ભારે વરસાદથી ભરૂચમાં 3290 હેક્ટરમાં સોયાબીનનો પાક અસરગ્રસ્ત, પાકવામાં થઈ શકે આટલો વિલંબ

નેત્રંગ તાલુકામાં સોયાબીનનો પાક દશેરા-દિવાળી સુધી ઠેલાવવાની શક્યતાઓ જણાઇ રહી છે. ભરૂચ-નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં જુન માસમાં ચોમાસાની સિઝનના પ્રારંભની સાથે જ મેધરાજા ધમાકેદાર બેટિંગ કરતાં ખેડુતોએ હોંશેહોંશે ખેતર ખેડી સોયાબીનના પાકનું વાવેતર કરી દેવામાં આવ્યું હતું. ધોધમાર વરસાદના કારણે નદી-નાળા,ચેકડેમ સહિત ખેતીવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ ઉદભવી હતી,જેમાં નેત્રંગ તાલુકામાં સતત પડી રહેલા ધોધમાર વરસાદ અને વાદળછાયા વાતાવરણ કારણે 3290 હેક્ટર સોયાબીનનો પાક અસરગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે,અને હાલના સમયમાં સોયાબીન ઉપર ફુલ બેસી ગયા છે,તેવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે,હિંદુ રીતરિવાજ મુજબ શ્રાદ્ધપક્ષની શરૂઆત થઇ ગઇ છે,અને શ્રાદ્ધપક્ષમાં ગરમીના પ્રકોપ અને સૂર્યદેવતાના દર્શન થવાથી સોયાબીનનો પાક તૈયાર થાય છે,પરંતુ હાલના સમયમાં નેત્રંગ તાલુકામાં મેધરાજા મુશળધાર વરસી રહ્યા છે. આકાશમાં સતત વાદળછાયું વાતાવરણ નજરે પડે છે,તેવા સંજોગોમાં સોયાબીનના પાકને તૈયાર થવામાં વિલંબ પડી શકે છે,અને  દશેરા-દિવાળી સુધી ઠેલાવવાની શક્યતાઓ જણાઇ રહી છે. આવનારા સમયમાં પણ નેત્રંગ તાલુકામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. શ્રાદ્ધપક્ષમાં મેધરાજા વિરામ કરે,અને સૂર્ય દર્શન થવાની ધરતીપુત્રોને આશા રાખી રહ્યા છે.