એક રૂપિયામાં ઈડલી આપતી મહિલાને ફ્રીમાં LPG કનેક્શન મળ્યું

કોઈમ્બતૂરમાં વર્ષોથી કમલાતલ નામની વયોવૃદ્ધ મહિલા વર્ષોથી એક રૂપિયામાં સાંભર-ચટણી સાથે લોકોને ઈડલી ખવડાવે છે. તેમને સ્થાનિકો ’એક રૂપિયામાં ઈડલીવાળી અમ્મા’ તરીકે ઓળખે છે. ચૂલામાં ઈડલી બનાવતી કમલાતલ 85 વર્ષની ઉમર વટાવી ચૂક્યા છે. સોશિયલ મીડિયામાં તેમનો આ વીડિયો વાયરલ થયો અને તે બાદથી કમલાતલને હવે ધુમાડામાંથી મુક્તિ મળી છે. મહિન્દ્રા ગૃપના ચેરમેન આનંદ મહિન્દ્રા અને ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તક્ષેપથી હવે તેમને ફ્રીમાં ગેસ કનેક્શન મળી ગયું છે.

કોઈમ્બતૂરના નાના ધાબા અને રેસ્ટોરન્ટમાં સામાન્ય રીતે 10થી માંડીને 50 રૂપિયા સુધીમાં ઈડલી મળે છે. પરંતુ કમલાતલ 30 વર્ષોથી લોકોને સસ્તી ઈડલીને વેપાર કરી રહ્યાં છે. આ ઉંમરે પણ તેઓ સાંભર-નાળિયેરની ચટણીની સાથે દરરોજ લગભગ 600 ઈડલી એક રૂપિયામાં વેચી રહી છે. તેમના પતિ આ દુનિયામાં હયાત નથી અને શરૂઆતમાં તેઓ 25 પૈસામાં ઈડલી વેચતા હતા. જરૂરી તમામ વસ્તુઓના ભાવ વધવાથી તેમણે ઈડલીની કિંમત હવે એક રૂપિયો કરી દીધી છે. તેમના માટે આ એક પ્રકારે સામાજીક વેપાર છે. તેમા નફાથી વધારે સેવાભાવ જોડાયેલો છે.

કમલાતલ વહેલી સવારે ચાર વાગ્યે ઉઠીને એકલા હાથે તમામ તૈયારી કરે છે. તેમની દુકાન પર સરકારી અને ખાનગી કંપનીઓના કર્મચારીઓ, ડ્રાઈવરો અને મજૂરોની ભીડ રહે છે. તેમાંથી કોઈએ તેમની ઈડલીની આ દુકાન સોશિયલ મીડિયા પર મુકી અને એક રૂપિયામાં ઈડલીવાળા અમ્માની દુકાન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જે બાદ તેમને ફ્રીમાં ગેસ કનેક્શમ મળ્યું. આ સિવાય કોયંબતૂરના કલેક્ટરે પણ તેમની મુલાકાત લીધી અને તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર અપાવવાથી લઈને અન્ય શક્ય તમામ મદદની ખાત્રી આપી.