ગાંધીનગરમાં એક પછી એક ત્રણ-ત્રણ હત્યાને અંજામ આપનારો સિરીયલ કિલર પાંજરે પુરાયો, આવી રીતે કરતો હતો હત્યા

ગાંધીનગરમાં એક પછી એક હત્યા અને લૂંટને અંજામ આપનારા સિરીયલ કિલર અને લૂંટારૂને ગુજરાત એટીએસની ટીમે ઝડપી પાડ્યો છે. ગત ઓક્ટોબરથી લઈને જાન્યુઆરીના સમય દરમિયાનઆ સિરીયલ કિલરે ત્રણ-ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. ગાંધીનગરના સિરીયલ કિલર મદન ઉર્ફે મોનીસ માલી (ઉ.35)ને અમદાવાદના સરખેજ ખાતેથી ગતરાત્રે ઝડપી લેવાયો છે. મોનીસ મૂળ પાલી રાજસ્થાનનો વતની છે અને તે ઘણા સમયથી સરખેજમાં રહેતો હતો.

આરોપી મોનીસને સરખેજથી ઝડપી લીધા બાદ પૂછપરછમાં હત્યામાં વપરાયેલું હથિયાર તેણે ત્રણ વર્ષ પહેલા સાબરમતી રેલવે કોલોનીમાં ઘરફોડી ચોરી દરમિયાન મેળવ્યું હોવાનું જણાવ્યું હતું તેમજ સાથે કારતૂસ પણ ચોરેલા હોવાનું કબૂલ્યું હતું. આરોપી ભૂતકાળમાં અમદાવાદ શહેર તેમજ ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં શાકભાજી તેમજ નાસ્તાની લારી ચલાવતો હોવાથી વિસ્તારના રસ્તાઓથી માહિતગાર હતો. તેમજ તેણે કબૂલ્યું હતું કે હત્યા અને લૂંટ પૂર્વે તે વ્યક્તિની રેકી કરતો હતો. ઘરેણા પહેરેલા વ્યક્તિની એકલતાનો લાભ લઈને તેની પાસેથી લૂંચ ચલાવી હત્યા કરતો હતો.

ગાંધીનગરના  દંતાલી ગામમાં 14મી ઓક્ટોબર 2018નાં રોજ મોનીસે એક શખ્સની હત્યા કરી હતી. જેમાં તેણે 60 વર્ષનાં વૃદ્ધ પાસેથી 70 હજાર રૂપિયાનાં દાગીના ચોર્યાં હતાં. બીજી હત્યા તેણે કોબામાં 9મી ડિસેમ્બરે કરી હતી. જેમાં 75 વર્ષનાં વૃદ્ધને મોતને ઘાટ ઉતારીને લૂંટ ચલાવી હતી. જ્યારે ત્રીજી હત્યા તેણે 26મી જાન્યુઆરીનાં રોજ શેરથામાં કરી હતી. જેમાં તેણે 45 વર્ષનાં વ્યક્તિને મોતને ઘાટ ઉતારી 2.5 લાખ રૂપિયાનાં દાગીનાની ચોરી કરી હતી.