સુરતમાં નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. 20મી સપ્ટેમ્બરથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. સુરતના સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટ ખાતે વિશાળ એસી ડોમમાં આશરે આઠથી દસ હજાર લોકોની વ્યવસ્થા સાથે સુરમય ક્રિષ્ણા નવરાત્રી-2019 મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ચીંટુ મોદીના સુરમય ગ્રુપ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વેસુ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં માધુરી દીક્ષીત પર પિક્ચરાઈઝ્ડ થયેલા ધક-ધક કરને લગા અને આમીર ખાનની ડેબ્યૂ ફિલ્મ ક્યામત સે ક્યામત તકના સંગીતકાર આનંદ-મિલિંદ ફેમ મિલિંદ શ્રીવાસ્તવ સહિત તેમની આખીય ટીમ હાજર રહી હતી.
સંગીતકાર મિલિંદે કહ્યું કે સર્વ પ્રથમ વખત નવરાત્રી મહોત્સવમાં સુરત ખાતેથી ભાગ લેવાનું સદ્દભાગ્ય થયું છે. સમગ્ર મ્યુઝિશિયન ટીમ સાથે નવ દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં ઉત્તમ પ્રકારના સંગીત સાથે ખૈલેયાઓને ડોલાવવાની કોશીશ રહેશે. બોલિવૂડ અને ગુજરાતી ગીતો સાથે ગરબાની રમઝટ બોલાવાશે. આશા છે કે સંગીતમય સુરતીઓને નવરાત્રીમાં કશુંક નવું અને અનોખું સાંભળવાનો લહાવો મળશે.
તેમણે કહ્યું કે મારા માટે આનંદની વાત છે કે સુરતમાં નવરાત્રીમાં ભાગ લેવાવી તક મળી છે. ટીમમાં કુલ 18 મ્યુઝિશિયન છે. બાગેશ્રી બ્રહ્મભટ્ટ, સુઝી ગોસ્વામી, મદન શુકલા અને નિગમ રાઠોડ જેવા સિંગરો પણ ગરબાની રમઝટ બોલાવશે.
નવરાત્રીના આયોજક અને સુરમય ગ્રુપના ચીંટુ મોદીએ જણાવ્યું કે સંપૂર્ણપણે એસી ડોમમાં જર્મનની ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડોમની વિશેષતા એ છે કે ડોમ પિલર લેસ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આરસીસી ફ્લોરીંગમાં કૂશન કારપેટનો ઉપયોગ કરાયો છે, જેના કારણે ખૈલયાઓને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં.
તેમણે કહ્યું કે ફાયર સેફ્ટીની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છે. ફાયર માર્શલો તૈનાત રહેશે તથા દરેક પ્રકારની સાવચેતી રાખી ડોમમાં લોકોની સલામતીના પગલા ભરવામાં આવ્યા છે.