મંદીની મારમાં રાહતોની જાહેરાત કરતા નાણા મંત્રી નિર્મલા સીતારમણ, જાણો શું-શું કહ્યું?

તંગી અને મંદીમાં સપડાયેલા દેશને ઉગારવા મથી રહેલી કેન્દ્રની મોદી સરકારના નાણા મંત્રી નિર્મલા સીતારમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદમાં તેમણે કેટલીક મહત્વની જાહેરાતો કરી છે. નાણા મંત્રીએ નિકાસ વધરાવા પર ભાર મૂક્યો છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સપ્ટેમ્બર બાદ જીએસટી અને આવકવેરાનો ઈલેકટ્રોનિક રિફંડ લાગુ કરી દેવામાં આવશે. જ્યારે નાના ટેક્સ પેયર્સને નાની-મોટી ભૂલો માટે ફોજદારી કાર્યવાહીનો સામનો કરવો પડશે નહી.

તેમણે કહ્યું કે નિકાસને વધારવા માટે ભારત દુબઈની જેમ મેગા શોપિંગ ફેસ્ટ શરૂ કરશે.માર્ચ-2020માં આ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવશે. આના કારણે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો તથા નિકાસ અને ટૂરિઝમને વેગ મળશે.

તેમણે કહ્યું કે સરકાર  એક્સપોર્ટમાં સમય ઘટાડવા પર કામ કરી રહી છે. આ માટે એક્શન પ્લાન બનાવી એરપોર્ટ અને પોર્ટ પર ઈન્ટરનેશનલ ધારા-ધોરણો અનુસાર સમય ઘટાડવા માટે ડિસેમ્બર-2019થી યોજના લાગુ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. 19મી સપ્ટેમ્બરે બેન્કરો સાથે મીટીંગ કરી એચએફસીની લિક્વિડીટી વધારવાના ઉપાયો તથા રેપો લીંક્ડ લેન્ડીંગ દરો અંગે ચર્ચા કરવામાં આવશે.

કેન્દ્રીય બજેટ-2019માં જાહેરાત કરવામાં આવી હતી તેમ 45 લાખ સુધીની મકાનની લોન પર ચૂકવેલા વ્યાજમાંથી 1.5 લાખ સુધી વેરામાં ઘટાડો કરવામાં આવશે.