પોતાના ગીતોના રિક્રીએશનથી આનંદ-મિલિંદ છે ખાસ્સા નારાજ, કહ્યું કશુંક આવું

સુરત આવેલા હિન્દી ફિલ્મોનાં સંગીતકાર આનંદ-મિલિંદ પૈકી મિલિંદ શ્રીવાસ્તવે પત્રકાર પરિષદમાં પોતાના ગીતોના રિક્રીએશન બાબતે ખાસ્સી નારાજગી દર્શાવી હતી. સંગીતકાર મિલિંદે કહ્યું કે હું ગીતોના રિક્રિએશનની ફેવરમાં નથી.

તેમણે કહ્યું કે સંગીતકાર માટે કોઈ પણ ગીત એના બાળક સમાન છે અને મારા માટે દરેક ગીતો પણ મારા બાળક છે. આજકાલ ગીતોને રિક્રીએટ કરવાની ફેશન ચાલી છે તે અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આવું થાય છે ત્યારે દુખ થાય છે. એરિજનલ ગીતોને આવી રીતે ફરીથી અન્ય સંગીતકાર પાસે કમ્પોઝ કરાવવામાં આવે છે તે બાબત સંગીતકાર માટે પીડાદાયક બની રહે છે.

તેમણે કહ્યું કે ભલે ગીતોને રિક્રીએટ કરવામાં આવી રહ્યા હોય પણ ઓરિજનલ ગીતોની લોકપ્રિયતામાં જરા પણ ઘટાડો થયો નથી. ઓરિજનલ ગીતોને આજે પણ લોકો શોખથી સાંભળી રહ્યા છે.

તેમણે કહ્યું કે પાછલા પંદર વર્ષથી રોયલ્ટીની લડાઈ ચાલી રહી છે. રોયલ્ટી કમિટીના ચેરમેન જાવેદ અખ્તર છે અને હવે આશા બંધાઈ છે કે જે કમ્પોઝરના ગીતો રિક્રીએટ કરવામાં આવતા હશે તેમને પણ રોયલ્ટી આપવામાં આવશે. નજીકના ભવિષ્યમાં આ અંગે સકારાત્મક નિર્ણય આવશે એવી અપેક્ષા બંધાઈ છે. ભવિષ્યમાં ગીતોને રિક્રીએટ કરવાનું આવશે તો ઓરિજલ કમ્પોઝરની પરમીશન લેવામાં આવશે એવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આનંદ-મિલિંદના બે ગીતોને તાજેતરમાં રિક્રીએટ કરવામાં આવ્યા છે. ખાનદાની શીફાખાનામાં શહેર કી લડકી અને કૂલી નંબર-વનમાં મૈં તો રસ્તે સે જા રહા થા સોન્ગનું ફરીથી કમ્પોઝ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ક્યામત સે ક્યામત તક ફિલ્મના ગઝબ કા હૈ દિન ગીતનું પણ રિક્રીએશન કરવામાં આવ્યું છે.