વરસાદની એક જ થપાટે અમરાવતી નદી પર નેત્રંગનો મિલીટ્રી પુલ બિસ્માર બની ગયો, દુર્ઘટનાની દહેશત

નેત્રંગ ગામની અમરાવતી નદી ઉપરના પુલનું વરસાદી પાણીથી ધોવાણ થતાં વાહનચાલકોમાં ભયનો માહોલ જણાઇ રહ્યો છે. જ્યારે પુલના નિર્માણકાર્યમાં ભારે ગોબાચારીની આશંકાઓ સેવાઇ રહી છે.

અંબાજીથી ઉમરગામને જોડતો રાષ્ટ્રીય ધોરી માગઁ આદીવાસી વિસ્તારના પછાત જિલ્લા અને તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાઓને જોડે છે. જેને મિલેટ્રી રોડ તરીક પણ ઓળખવામાં આવે છે. આ માર્ગ પહેલા રાજ્ય સરકારના માગઁ અને મકાન વિભાગના હસ્તક હતો,પરંતું છેલ્લા બે-ત્રણ વષઁથી આ માર્ગનું રૂપાંતર નેશનલ હાઇવેમાં કરવામાં આવ્યું છે. વર્ષો પહેલા આ માર્ગ ઉપર આવેલા ખાડી,કોતરો અને નદીઓ પર ઓછો ભાર વહન કરવાવાળા પુલોનું નિર્માણ કરાયું હતું.

પરંતુ આ માર્ગ ઉપર કોઇપણ પ્રકારનો ટોલટેક્ષ અને ઓછી ટ્રાફિક સમસ્યાના કારણે વાહનચાલકો ધારેલા સમયમાં જે તે સ્થળ ઉપર પહોંચવા આ માર્ગનો વધુ ઉપયોગ કરવા લાગ્યા હતા,જેમાં હાલના સમયમાં રોડ અને પુલની ભાર ક્ષમતાથી બમણું વજન ધરાવતા મોટા માલધારી વાહનોની સતત અવર-જવર રહેતી હોય છે. ઓવરલોડ રેતી ભરેલા હાઇવા-ડમ્પર ટ્રકો પ્રતિદિન 100થી વધુ પસાર થતાં હોય છે. દરેક હાઇવા-ડમ્પરમાં 40થી 50 ટન જેટલું વજન ભરેલું હોય છે. જ્યારે અન્ય મોટા માલધારી વાહનો  પણ ત્રણ ગણી સંખ્યામાં દોડી રહ્યા છે.તેવા સંજોગોમાં નેત્રંગ-રાજપીપળા અને નેત્રંગ ટાઉનમાંથી અમરાવતી નદી ઉપરનો પુલના પિલ્લરોમાં મોટી તિરાડો પડી જતાં પુલ ગમે ત્યારે તુટી પડવાની દહેશતથી વાહનચાલકોમાં ભય માહોલ જોવા મળી રહ્યો હતો,અને પુલના નીચેના ભાગથી સિમેન્ટ-ક્રોંક્રીટના પોપડા નીકળી જવાથી સળીયા દેખાતા વાહનચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબુર બની રહ્યા છે. આ ઘટનાની જાણ સરકારીતંત્રને તાત્કાલિક ધોરણે વાહનવ્યવહાર બંધ કરાવ્યો હતો,અને પુલના સમાંતર જ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું.

આ અંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાને થતાં જ અમરાવતી નદી ઉપરના જર્જરિત પુલનું નિરીક્ષણ કરી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને પુલના નિર્માણ માટે લેખિત રજુઆત કરાઈ છે. આ પુલનું નિર્માણ 2.50 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. કમનસીબે અમરાવતી નદી ઉપરના પુલનું નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે નવા પુલના પુરાણનો ભાગ બેસી અને ઘરાશયી થવાની દહેશત જણાઈ રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પુલના નિર્માણની કામગીરીમાં ભારે ગોબાચારી થઇ હોવાની આશંકાઓ સેવાઇ રહી છે. રાત્રીના અંધકારના સમયે વાહનચાલકોની મામુલી ગફલતથી મોટી હોનારત બનવાની શક્યતાઓ જણાતા વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા છે.  આગામી ટુંક સમયમાં પુલના સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.