નોટબંધી બાદ અમદાવાદમાં આ કારણોસર લોકો લાઈનમાં જોવા મળ્યા

એક સમયે રાત્રીના સમયે 500 અને 1000 રૂપિયાની નોટબંધ કરવાની જાહેરાત કરવામાં આવી અને દેશભરમાં લોકો લાઈનમાં ઉભા રહી ગયા હતા. ફરી એક વાર આવી જ સ્થિતિ અમદાવાદમાં સર્જાવા પામી છે. ટ્રાફીકના નવા નિયમને લઈ વાહન ચાલકો લાઈનમાં ઉભા થઈ ગયા છે.

ગુજરાતમાં 16મી સપ્ટેમ્બરથી ટ્રાફીકના સુધારેલા નવા નિયમોનો અમલ થવા જઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ હતી અને પીયુસી સર્ટિફિકેટ મેળવવા માટે વાહનચાલકોની પીયુસી સેન્ટરો પર લાંબી લાઇનો લાગી ગઈ હતી. પીયુસી સર્ટિફિકેટ માટે વાહન પ્રમાણે વીસથી 100 રૂપિયા સુધીનો ચાર્જ થતો હોવા સામે પીયુસી સર્ટિફિકેટ વગર વાહનચાલક પકડાય તો પહેલી વાર 500 અને બીજી વાર 1000 રૂપિયાના દંડની જોગવા‍ઈ હોવાથી વાહનચાલકોનો પીયુસી સર્ટિફિકેટ લેવા ધસારો થયો હતો.

મોદી સરકાર દ્વારા સુધારેલા મોટર વાહન અધિનિયમ–2019માં ફેરફારો કરી એનો અમલ કરવા ગુજરાત સરકારે તૈયારીઓ કરી દીધી છે અને આગામી 16મ સપ્ટેમ્બરથી એનો અમલ કરવા જઈ રહી છે ત્યારે જે વાહનચાલકો પાસે જરૂરી દસ્તાવેજો નથી તેવા વાહનચાલકોએ આ દસ્તાવેજો મેળવવા માટે ગઈ કાલથી દોડધામ શરૂ કરી દીધી છે. ખાસ કરીને ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો તેમના વાહન માટે પૉલ્યુશન અન્ડર કન્ટ્રોલ સર્ટિફિકેટ મેળવવા માટે ઉતાવળા થયા હતા.