બોગસ નોટોનું ચલણમાં રાફડો ફાટ્યો, સૌથી વધુ 100 રૂપિયાની બોગસ નોટો ફરી રહી છે

દેશમાં છેલ્લા બે વર્ષમાં બોગસ નોટોની સંખ્યા 10 ગણાથી પણ વધારે વધી ગઇ છે. ભારતીય રીઝર્વ બેંક દ્વારા 2017-18 અને 2018-19માં બોગસ નોટોના આંકડા બહાર પડયા છે. તેમાં આનો ખુલાસો થયો છે. નોટબંધી પછી 2016-17થી માંડીને 2018-19 દરમિયાન ભારતીય ચલણનું સંપૂર્ણ સ્વરૂપ બદલી નાખ્યું છે. તો પણ બોગસ નોટોની સંખ્યામાં વર્ષે વર્ષે વધારો થઇ રહયો છે.

ગંભીર વાત એ છે કે 10,20,અને 50 ની નોટો પણ બોગસ આવવા લાગી છે અને તેની સંખ્યા વધી રહી છે. રિઝર્વ બેંકનો રિપોર્ટ કહે છે, ફકત એક વર્ષમાં 10,20, અને 50 રૂપિયાની બોગસ નોટોમાં ક્રમશ 20.2,872 અને 57.3 ટકાનો વધારો થયો છે. બે વર્ષ પહેલા કરતા અત્યારે નાની નોટોમાં ચાર ગણો વધારો થયો છે.

2017માં બેંકોએ 50 રૂપિયાની 9222 બોગસ નોટો પકડી હતી, જયારે 2019માં આ સંખ્યા 36875 થઇ ગઇ હતી. 100 રૂપિયાની બોગસ નોટોમાં 7.5 વધારો થયો છે. આ ઘટાડા પછી પણ એક વર્ષમાં 2.20 લાખ બોગસ નોટો 100 રૂપિયાની પકડાઇ છે, એનાથી સ્પષ્ટ થાય છે કે બજારમાં સૌથી વધુ બોગસ નોટો 100 રૂપિયાની ફરે છે.

2018માં 200 રૂપિયાની બોગસ નોટ 79 પકડાઇ હતી, જયારે આ વર્ષે તેની સંખ્યા 12728 થઇ ગઇ એટલે કે તેમાં 160 ગણો વધારો થયો છે, જયારે 500ની નકલી નોટમાં 121 ટકાનો વધારો થયો છે.