રાજકોટના મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે ચાર્જ સંભાળતાની સાથે જ અધિકારીઓને જવાબદારીનું ભાન કરાવી દોડતા કરી દીધા છે. ગઈકાલે યોજાયેલી મહત્વની મીટીંગમાં લોકોનાં કામ માટે અધિકારીઓને લોકોની વચ્ચે જવાની તાકીદ કરી પ્રતિબંધીત પ્લાસ્ટિક અને સફાઈ કામગીરીને વધુ વેગવંતી બનાવવા નવા નિયમો ઘડી કાઢયા છે. મ્યુનિ.કમિશનરે જણાવેલ કે શહેરમાં સફાઈ કામગીરી વ્યવસ્થિત થઈ રહી છે પરંતુ ચાની હોટેલો તથા પાનની દુકાનોની આગળ વધુ કચરો જોવા મળ્યો છે. આજે બજારોમાં ફરવા નિકળ્યો ત્યારે સૌથી વધુ કચરો ઉપરોકત બંને ધંધાર્થીઓની દુકાન આગળ જોવા મળ્યો હતો. આથી આવતીકાલથી પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝુંબેશની સાથોસાથ દુકાનો આગળ થતા કચરા વિરુઘ્ધ ઝુંબેશ હાથ ધરાશે અને જે દુકાનની આગળ કચરો જોવા મળશે ત્યારે દુકાનદારને દંડ કરવામાં આવશે.
કમિશનરે વધુમાં જણાવ્યું કે પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝુંબેશને વધુ કડક બનાવાશે અને મુખ્ય પ્લાસ્ટિક વિક્રેતાઓને ત્યાં રેગ્યુલર ચેકીંગ હાથ ધરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયગો કરતા ઝડપાશે તો ભારે દંડ કરવામાં આવશે જ્યારે ચાની હોટલો દ્વારા ચાની પ્યાલીઓ રોડ ઉપર ફેંકાતી હોવાથી તેમને ત્યાં ખાસ વોચ ચલાવામાં આવશે તેથી જ રીતે પાનનાં ધંધાર્થીઓની દુકાન આગળ પાન પ્લાસ્ટીક જોવા મળશે તો દુકાનદારને આકારો દંડ કરવામાં આવશે.
મનપાનાં પર્યાવરણ વિભાગ અને એસ્ટેટ વિભાગનાં અધિકારીઓને વોર્ડ વાઈઝ જવાબદારી સોંપી રોજેરોજના કામનો રીપોર્ટ લેવામાં આવશે જ્યારે જગ્યા રોકાણ વિભાગ દ્વારા થતી કામગીરીનું વારંવાર સરપ્રાઈઝ ચેકીંગ કરી કસુરવાન અધિકારી વિરુઘ્ધ કડક પગલા લેવામાં આવશે.
રાજકોટ મનપાની હદમાં સમાવિષ્ટ વિસ્તારોમાં 20 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વેંચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ છે છતા પાનનાં ધંધાર્થીઓ અને ટી સ્ટોલ વાળા તેનું સદંતર ઉલ્લંઘન કરતા હોવાથી મ્યુનિ.કમિશ્નરે આવતીકાલથી ટી સ્ટોલ અને પાનનાં ધંધાર્થીઓ વિરુઘ્ધ સ્પેશ્યલ ચેકીંગ કામગીરી કરવાનો આદેશ કરી દંડનીય કામગીરી કડક બનાવવાની સુચના આપી છે.