મોદી સરકારે મોટર વ્હીકલ એક્ટ-2019માં સુધારા-વધારા કરી વાહનવ્યવહારના નિયમોને તોડનારા લોકો પાસેથી તોતીંગ દંડની વસૂલાત કરવાની શરૂઆત કરી છે. પણ દંડની તોતીંગ જોગવાઈઓના કારણે અનેક રાજ્યોની અંદર મોટા પ્રમાણમાં લોકરોષ ભભૂકી ઉઠ્યો છે અને આ બાબત મોદી સરકારની લોકવિરોધી નીતિ હોવાનું લોકો કરી રહ્યા છે. અત્યાર સુધી એક પણ રાજ્યએ મોદી સરકારના નવા નિયમોને અદ્દલોઅદ્દલ લાગૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો નથી. નોટીફિકેશના અભાવે મોટાભાગના રાજ્યો જૂના દર પ્રમાણે જ દંડની વસૂલાત કરી રહ્યા છે. દિલ્હી, હરિયાણા જેવા રાજ્યો નોટીફિકેશન પ્રસિદ્વ થયું નથી તો પણ મોદી સરકારના નવા નિયમો પ્રમાણે ચાલાન કાપી રહ્યા છે તો બધા મામલા કોર્ટમાં પહોંચી રહ્યા છે.
મહત્વની વાત તો એ છે કે મોદી સરકાર દ્વારા નક્કી કરાયેલી દંડની નવી જોગવાઈઓને લાગૂ કરવામાં ભાજપ શાસિત રાજ્યોએ પણ હાથ ઉંચા કરી દીધા છે. ગુજરાત સરકારે તો કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી દંડની જોગવાઈઓનો સીધો છેદ જ ઉડાડી દઈને પોતાના નવા દર લાગૂ કરવાની જાહેરાત કરવી પડી છે. જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નવા દરોમાં ઘટાડો કરવા માટે નીતિન ગડકરીને પત્ર લખ્યો છે અને સીધું કહી દીધું છે કે નવા નિયમો સીધા લાગૂ કરી શકાય એમ નથી.
જ્યારે પરિવહન મંત્રી નીતિન ગડકરીને કહેવું પડ્યું કે રાજ્યો પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. વિરોધ કરનારા રાજ્યોનું કહેવું છે કે વધારે પડતી દંડની જોગવાઈને સામાન્ય માણસ સહન કરી શકે એમ જ નથી. પહેલી સપ્ટેમ્બરથી મોદી સરકારે નવા નિયમો લાગૂ કર્યા છે.
વિવિધ રાજ્યોની ટ્રાફીક પોલીસ મૂંઝવણમાં મૂકાઈ ગઈ છે. કેવી રીતે દંડની વસૂલાત કરવામાં આવે તે માટે ટ્રાફીક પોલીસ પોતે દ્વિધામાં છે અને હાલ તો જૂના દર પ્રમાણે જ ટ્રાફીક પોલીસ દંડની વસૂલાત કરી રહી છે.
ચાલાનના અલગ અલગ રેટ થઈ ગયા છે. એક યુનિફોર્મ પોલિસીના બદલે મનફાવે તેમ ટ્રાફીક પોલીસ દંડની વસૂલાત કરે તેવા પ્રકારનો માહોલ ઉભો થઈ ગયો છે. એક તરફ કેન્દ્ર સરકારની નવી જોગવાઈ છે તો બીજી તરફ ગુજરાતે પોતાના નવા નિયમો જાહેર કર્યા છે. ત્રીજી તરફ ઉત્તરાખંડના દર અને ચોથી તરફ જૂના દર છે. નવા નિયમ પ્રમાણે ડ્રાઈવીંગ લાયસન્સ વિના ગાડી ચલાવે છે તો પાંચ હજાર રૂપિયા દંડ ફટકારાય છે, જ્યારે જૂની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી થાય તો પાંચસો રૂપિયા દંડ થાય છે.
ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ જેવા ભાજપ શાસિત રાજ્યોમાં નવા દર લાગૂ કરવામાં આવ્યા નથી. જ્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ નવા દર લાગૂ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત દિલ્હી, તેલંગાણા, કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડીચેરીએ લોકોમાં જાગૃતિ લાવીને નવા દરો લાગૂ કરવાની વાત કરી છે.