ભારત-ચીનની આર્મી વચ્ચે લદ્દાખ નજીક પેંગોન્ગ ઝીલ બોર્ડર પર ઘર્ષણ

એક તરફ પાકિસ્તાન સાથે ભારતનો મામલો ગરમ અને સંવેદનશીલ બની ગયો છે ત્યારે ભારત અને ચીનના જવાનો ફરી એકવાર આમને સામને આવ્યા બાદ તેમની વચ્ચેજોરદાર ઝપાઝપી થઇ હતી. પૂર્વીય લદ્દાખમાં બંને દેશોના જવાનો આમને સામને આવી ગયા હાદ તેમની વચ્ચે કલાકો સુધી ઝપાઝપી થઇ હતી. જેના કારણે સ્થિતી વિસ્ફોટક બની હતી. જો કે ત્યારબાદ તરત જ સ્થિતીને હળવી કરવાના પ્રયાસો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે બેઠકો યોજાઇ હતી.

સુત્રોના કહેવા મુજબ ભારત અને ચીનના જવાનો વચ્ચે કલાકો સુધી આવી ઝપાઝપી ચાલી હતી. આ ઘટના 134 કિલોમીટર લાંબા પેગોંગ સરોવરના ઉત્તરીય કિનારા પર થઇ હતી. જેના એક તૃતિયાશ હિસ્સા પર ચીન અંકુશ ધરાવે છે. જો કે ત્યારબાદ સ્થિતી ખરાબ થયા પછી બંને પક્ષો વચ્ચે પ્રતિનિધીમંડળ સ્તરની વાતચીત યોજાઇ હતી. જેથી સ્થિતી સામાન્ય બની હતી. ભારતીય જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ જ ગાળા દરમિયાન તેમનો સામનો ચીની જવાનો સાથે થયો હતો. ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મીના જવાનોએ ઉશ્કેરણીજનક કૃત્ય કર્યુ હતુ.

ચીની જવાનોએ વિસ્તારમાં ભારતીય જવાનોની હાજરી સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ બંને પક્ષોના જવાનો વચ્ચે ઝપાઝપી શરૂ થઇ ગઇ હતી. ઝપાઝપી અને ધક્કામુક્કી શરૂ થઇ ગયા બાદ બંને દેશોના વધારાના જવાનો સરહદ પર ગોઠવાઇ ગયા હતા. મોડી રાત સુધી સંઘર્ષની સ્થિતી રહી હતી. સેનાએ સંપર્ક કરવામાં આવતા કહ્યુ હતુ કે સ્થિતી સામાન્ય બનાવી દેવામાં આવી છે. મોડેથી તંગદીલીને ઘટાડી દેવા માટે સ્થાપિત રહેલી દ્ધિપક્ષીય વ્યવસ્થા હેઠળ બંને પક્ષો વચ્ચે બ્રિગેડિયર સ્તરની વાતચીત યોજવામાં આવી હતી. જેમાં બંને દેશોના ટોપ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ હતુ કે લાઇન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલની સ્થિતીને લઇને બંને પક્ષોની જુદી જુદી માન્યતા અને વિચારધારા રહેલી છે.

આ તમામ સમસ્યાને બોર્ડર પર્સનલ મિટિંગ અને ફ્લેગ મિટિંગ મારફતે ઉકેલી દેવામાં આવે છે. ભારતીય સેનાએ કહ્યુ છે કે સ્થિતી બિલકુલ સામાન્ય બની ચુકી છે. સેનાના કહેવા મુજબ બંને પક્ષો વચ્ચે પ્રતિનિધીમંડળ સ્તરની વાતચીત થઇ ચુકી છે. આની સાથે જ મતભેદો પણ દુર કરી લેવામાં આવ્યા છે. ભારત અને ચીન વર્ષોથી કેટલાક સરહદી મુદ્દાને લઇને વારંવાર આમને સામને આવતા રહે છે. જો કે તેમની વચ્ચે મતભેદોને નિયમિત વાતચીત મારફતે ઉકેલી પણ લેવામાં આવે છે. ચીનના વર્તનને લઇને હમેંશા પ્રશ્નો રહે છે.

ચીન હમેંશા સરહદ પર અને ત્રાસવાદના મુદ્દા પર ખતરનાક વલણ અપનાવતુ રહ્યુ છે. તે હમેંશા ત્રાસવાદના મુદ્દા પર પણ દુનિયાના દેશોની સાથે રહેવાના બદલે પાકિસ્તાનની સાથે દેખાય છે. હાલમાં ખતરનાક ત્રાસવાદી આકા મુસદ અઝહરના મામલે પણ ચીને અયોગ્ય વલણ અપનાવ્યુ હતુ. જો કે આના કારણે ચીનની વિશ્વના દેશોમાં વ્યાપક ટીકા થઇ હતી.