વિક્રમ લેન્ડર સાથે સંપર્ક જોડવા નાસા આવ્યું મદદે, મોકલ્યો “હેલ્લો”નો મેસેજ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ચંદ્રની સપાટી પર રહેલા લેન્ડર વિક્રમ સાથે ફરી સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. લેન્ડર વિક્રમનો લેન્ડિંગ બાદ ઇસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો. જો કે આ વચ્ચે દુનિયાની સૌથી મોટી અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્ર પર રહેલા લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવા ’હેલ્લો’ નો સંદેશ મોકલ્યો છે.

ચંદ્રની સપાટી પર લેન્ડિંગ બાદ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયા પછી ફરી સંપર્ક કરવા ઇસરો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે હવે દુનિયાની સૌથી મોટી અંતરિક્ષ એજન્સી હવે જોડાઇ છે. નાસાએ ચંદ્રની સપાટી પર રહેલા લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવા ’હેલ્લો’નો સંદેશ મોકલ્યો છે.

પોતાના ડીપ સ્પેસ ગ્રાઉન્ડ સ્ટેશન નેટવર્કના આધારે નાસાની જેટ પ્રોપલ્સન લેબોરેટરીએ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે વિક્રમને એક રેડિયો ફ્રીક્વેન્સી મોકલી છે. નાસાના સૂત્રોએ આ અંગે પુષ્ટી કરી છે.

એક અન્ય અંતરિક્ષયાત્રી સ્કોટ ટિલ્લેએ પણ આ વાતની પુષ્ટી કરી છે કે નાસાના કેલિફોર્નિયા સ્થિત ડીએસએન સ્ટેશન દ્વારા લેન્ડરને રેડિયો ફ્રિક્વેન્સી મોકલવામાં આવી છે. ટિલ્લે તે સમયે ચર્ચામાં આવ્યાં હતા જ્યારે ૨૦૦૫માં ગુમ થયેલ નાસાના એક જાસૂસી ઉપગ્રહને શોધી કાઢ્યો હતો.