ટ્રાફીકનો નવો કાયદો: ભાજપના રાજ્યો બન્યા સૌથી મોટા વિરોધી, નીતિન ગડકરી માથે પસ્તાળ

એક દેશ, એક વિધાનનો નારો આપનારા ભાજપના ગળમાં ટ્રાફીકના નવા નિયમોનું હાડકું જામ થઈ ગયું છે. ન તો ગળાય છે અને ન તો ઓકાય છે. આ કાયદો મોદી સરકાર માટે મોટી મુસીબત ઉભી કરી રહ્યો છે. નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડની જોગવાઈઓનો ભારે વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ કરવામાં સૌથી આગળ ભાજપ શાસિત રાજ્યો જ છે.

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તઘલખી ફરમાન જારી કરી દંડની રકમ વધારીને એક હજારથી 10 હજાર કરી દીધી છે. નવા નિયમ લાગૂ થયા તો દંડ પેટે 25 હજારથી લઈ 50 હજાર સુધીનો દંડ ફટકારવાની ઘટનાઓ સામે આવી રહી છે . દંડને લઈ ભારે વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં તો દંડને લઈ અનેક પ્રકારના ઈમોજીસ, મેમ્સ અને કાર્ટુન તથા લખાણો વાયરલ થઈ રહ્યા છે. સામાન્ય લોકો ફરી એક વાર ત્રાહિમામ પોકારી રહ્યા છે.

નવા ટ્રાફીકના નિયમોની વચ્ચે મોદી સરકારે રસ્તો શોધવાના પ્રયાસ કર્યો અને પીએમ મોદી-ગૃહમંત્રી અમિત શાહના હોમટાઉન ગુજરાતમાંથી તેની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી નવા નિયમમાં દંડની જોગવાઈઓમાં રાહત આપવાની જાહેરાત રી અને દંડની રકમ 90 ટકા ઘટાડી દીધી છે.

વાયા ગુજરાત રસ્તો શોધવામાં આવ્યો તો જ્યાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેવા રાજ્યોની ચિંતામાં રાહતની ફોર્મ્યુલાથી પણ વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના સીએમ ફડણવીસે નીતિન ગડકરીને પત્ર લખી સ્પષ્ટ રીતે કહ્યું છે કે નવા નિયમો લાગૂ કરી શકાય એમ નથી અને તેમાં રાહત આપવામાં આવે.

મહારાષ્ટ્રની જેમ જ ઝારખંડ અને હરિયાણાની સરકાર પણ આગળ વધી રહી છે બન્ને રાજ્યો વિશેષ સત્ર બોલાવી નવા નિયમોમાં ફરીથી સંશોધન કરવાની માંગ કરવાના છે જ્યારે હરિયાણાએ તો 45 દિવસ સુધી લોક જાગૃતિ અભિયાન ચલાવવાની વાત કરી છે.

મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં તો ચૂંટણી છે એટલે ત્યાંના ભાજપના નેતાઓની ચિંતા વધી જાય એ સ્વભાવિક છે પણ જ્યાં ચૂંટણી નથી તેવા રાજ્યો ઉત્તરાખંડ અને કર્ણાટક પણ વિરોધની પંગતમાં આવી ગયા છે. ઉત્તરાખંડે 90 ટકા દંડની જોગવાઈ ઘટાડવાની માંગ કરી છે તો કર્ણાટક સરકારે વિચારણા કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે.

આ રાજ્યોએ દંડની રકમમાં કર્યો ઘટાડો

  • ગુજરાત
  • મહારાષ્ટ્ર
  • ઝારખંડ(વિચારણા)
  • ઉત્તરાખંડ
  • હરિયાણા(જાગૃતિ અભિયાનની માંગ)
  • કર્ણાટક(વિચારણા)
  • ઉત્તરપ્રદેશ( અમલ બાકી)
  • પશ્ચિમ બંગાળ (વિરોધ)