નર્મદા નદીના ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આના કારણે ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. હાલ ડેમમાં 8,16,000 ક્યુસેક પાણીની આવક છે. પાણીનો ઈનફ્લો સતત હોવાથી ડેમના 23 દરવાજા 4.15 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમની સપાટી 137.01 મીટરે પહોંચી ગઈ છે. 40 કરતાં વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને કિનારે રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ડેમ દરવાજા માંથી 7,90,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદીમાં ભારે પુર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગોલ્ડન બ્રિજ ખાતે નદી બે કાંઠે વહી રહી છે. કેવડિયાના ગોરા બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
ડેમમાં હાલ 5153 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. ગરુડેશ્વર ખાતે નર્મદા નદીની સપાટી 29.45 મીટરે પહોંચી ગઈ છે. જ્યારે ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી કરતાં વધુના લેવલ પર પાણી વહી રહ્યું છે. ત્રણ જિલ્લામા પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નર્મદા, ભરૂચ અને વડોદરામાં અલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.