ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ: 52 કરોડનું MD ડ્રગ્સસહિત એક કરોડ રોકડા મળી આવ્યા

મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ના અધિકારીઓએ પનવેલમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો અને પાંચ જણને પકડી પાડી રૂ. 52.64 કરોડનું 129 કિલો એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ તથા 1.04 કરોડની રોકડ જપ્ત કર્યાં હતાં. એટીએસ હવે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધ ચલાવી રહી છે.

એટીએસના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ અબ્દુલ રઝાક કાદર શેખ (47), ઇરફાન બાબર શેખ (43), સુલેમાન જૌહર શેખ (28), નરેશ મસ્કર (45) અને જિતેન્દ્ર પરમાર ઉર્ફે આસિફ (45) તરીકે થઇ હતી. અબ્દુલ રઝાક અને ઇરફાન શેખ શિવડી વિસ્તારમાં રહે છે, જ્યારે સુલેમાન શેખ બાંદ્રા, નરેશ અને જિતેન્દ્ર પનવેલના રહેવાસી છે. આમાંના ત્રણ જણને મંગળવારે સ્થાનિક અદાલતમાં હાજર કરાયા હતા, જ્યાં તેમને 16 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. બાકીના બે જણને બુધવારે કોર્ટમાં હાજર કરાશે.

એટીએસના અધિકારીઓને માહિતી મળી હતી કે બે શખસ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ વેચવા માટે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભાંડુપ પંપિંગ સ્ટેશનની નજીક બસસ્ટોપ પર આવવાના છે. આથી અધિકારીઓએ સોમવારે છટકું ગોઠવ્યું હતું અને બે જણને તાબામાં લીધા હતા. બંનેની ઝડતી લેવાતાં નવ કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. બંનેની પૂછપરછમાં સપ્લાયરનું નામ જાણવા મળ્યા બાદ તેને પણ બાંદ્રાથી તાબામાં લેવાયો હતો.

ત્રણેય આરોપીની પૂછપરછ કરવામાં આવતાં પનવેલની ફેક્ટરી વિશે એટીએસની ટીમને જાણવા મળ્યું હતું. દરમિયાન એટીએસની ટીમે પનવેલ ખાતેની ફેક્ટરીમાં જઇ બાકીના બે આરોપીને ઝડપી પાડ્યા હતા અને એ સ્થળેથી ૧૨૦ કિલો એમડી ડ્રગ્સ તથા ડ્રગ્સ વેચી મળેલી ૧.૦૪ કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આરોપીઓ સારી ગુણવત્તાનું રસાયણ વાપરીને ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવતા હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.