ટ્રક માલિકને 1,41,700નો દંડ ફટકારાયો, જાણો ટ્રાફીકના ક્યા નિયમનો ભંગ કર્યો હતો?

નવો મોટર વ્હીકલ એક્ટ-2019 લાગુ થયા બાદ દરરોજ મેમો ફાડવાના અલગ અલગ બનાવો સામે આવી રહ્યા છે. અનેક લોકો ભારે દંડનો વિરોધ કરી રહ્યા છે તો અમુક લોકોએ તો ભારે દંડ બાદ પોતાના વાહનને જ આગ લગાડી દીધી હતી. મેમોની રકમ પણ ખૂબ ચર્ચામાં છે. આ બધાની વચ્ચે દિલ્હીમાં સૌથી વધારે રકમનો મેમો ફાડવાના સમાચાર સામે આવ્યા છે.

દિલ્હીની રોહિણી કોર્ટમાં 1,41,700નો મેમો ફાટ્યો છે. રાજસ્થાનના એક ટ્રક માલિકે દિલ્હીની રોહિણી કોર્ટમાં દંડની તમામ રકમ ભરી દીધી છે. ટ્રક માલિક રાજસ્થાનના બિકાનેરનો રહેવાસી છે. દિલ્હીમાં પાંચમી સપ્ટેમ્બરના રોજ ઓવરલોડિંગને કારણે ટ્રકનો 70 હજાર રૂપિયાનો મેમો ફાટ્યો હતો. જ્યારે ટ્રક પર વધારે માલ ચડાવવા બદલ ટ્રક માલિકને પણ 70 હજાર રૂપિયાનો મેમો આપવામાં આવ્યો હતો. ટ્ર્‌ક માલિકના કહેવા પ્રમાણે બે મેમો ઉપરાંત તેને 1700નો વધારાનો દંડ પણ કરવામાં આવ્યો હતો. આવી રીતે ટ્રક માલિકને કુલ 1,41,700નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રક માલિકે મેમો મળ્યાના દિવસે જ દિલ્હીની રોહિણી કોર્ટમાં આ રકમ ચુકવી દીધી હતી.

નોંધનીય છે કે સપ્ટેમ્બરમાં દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ દરરોજ વિચિત્ર કેસો સામે આવી રહ્યા છે. અત્યારસુધી કોઈને 15 હજાર તો કોઈને 25 હજારનો મેમો મળ્યો હતો. ત્યાં સુધી કે 60 હજારનો મેમો પણ ફાટ્યો હતો. પરંતુ દિલ્હીમાં તો મેમોની રકમે તમામ રેકોર્ડને તોડી નાખ્યા હતા.