અમદાવાદ: POPની ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરી ઓગાળી શકાય છે, જાણો અનોખી સિસ્ટમ વિશે

આસ્થા સાથેની રમત ઓળખી જનારા પહેલેથી ગણપતિનું અપમાન જોઈ માટીના ગણેશની સ્થાપના તથા પુજા તરફ વળ્યા છે. અહિંયા વાત કરીએ છીએ હજુ પણ પીઓપીના ગણેશ મૂર્તિના વિસર્જનની. ભક્ત ભૂષણ કુલકર્ણી, રાહુલ દેસાઈ અને વિપુલ રાદડિયાએ ત્રણ વર્ષ પહેલા સોસાયટીમાં પીઓપીના ગણપતિના વિસર્જન વખતે ગણેશજીનું નદી-કુંડમાં અપમાન થતા જોઈ ગણેશ વિસજર્ન પ્રકૃતિની કાળજી અને આસ્થાના આદર સાથે વિસર્જન કરવાનો સંકલ્પ લીધો હતો. આ સંકલ્પ બાદ તેઓનું માનવું છે કે ભગવાનની પીઓપીની કોઈ પણ આકારની મૂર્તિને પણ નજીવા ખર્ચમાં વિસર્જન કરી શકાય છે. ફક્ત ભાવના અને ભક્તિ સાચી હોવી જોઈએ. યુવાનો આપને પણ આપના માધ્યમથી અપીલ કરે છે કે આ નવી પદ્ધતિથી પર્યાવરણનું રક્ષણ કરવાની આ પહેલમાં અમારી સાથે જોડાવો.

ભૂષણ કુલકર્ણી પધ્ધતિ જણાવતા કહે છે કે, પીઓપીની મૂર્તિના વજનનો કોસ્ટિક સોડા જે ખાવાના સોડા તરીકે ઓળખાય છે તેને મૂર્તિ ડૂબે એટલા પાણીમાં ઓગાળીને મૂર્તિનું વિસર્જન કરો. સમયાંતરે પાણીને હલાવવું જેથી 24 થી 48 કલાકમાં પીઓપીની મૂર્તિ સંપુર્ણ ઓગળી જશે. રાહુલ દેસાઈ વધુમાં માહિતી આપતા કહે છે કે, જે પાણી છે તે ઉત્તમ ખાતર છે જે તમે તમારા ઘરના બગીચામાં કે કુંડામાં નાખી શકો. તેમજ વિપુલ રાદડિયાએ ઉમેર્યું હતું કે મૂર્તિનો વધેલો જે પાવડર છે એનો બાળકો માટે બોર્ડ પર લખવા માટે ચોક બનાવી શકાય.

આ વર્ષે અમારી સાથે 11 સાર્વજનિક ગણેશ મંડળ જોડાયા છે. અમને વિશ્વાસ છે કે જ્યાં પણ પીઓપીની મૂર્તિના વિસર્જનની વાત આવશે ત્યાં અમારી ટીમ પર્યાવરણને બચાવવા કાર્યરત રહેશે. અમે સરકારને પણ અનુરોધ કરીએ છીએ કે આ જ રીતે પૂરા રાજ્યમાં તેમજ દેશમાં પીઓપીની કોઈ પણ મૂર્તિનું વિસર્જન કરે. અમે અને અમારી ટીમ પણ આ પદ્ધતિથી જ વિસર્જન કરવાનો સંદેશો આપવા તૈયાર રહીશું.