વિશ્વની પ્રથમ ઘટના: કેન્સરગ્રસ્ત શ્રૃચી વડાલીયા બની ક્લીન ઈન્ડિયા- ગ્રીન ઈન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર

બ્રેન ટ્યૂમર જેવી કેન્સરની અસાધ્ય બીમારીથી પીડાતી શ્રૃચી વડાલીયાની અંતિમ ઈચ્છા વધુમાં વધું વૃક્ષો વાવીને લોકોના શ્વાસમાં જીવવાની છે. ત્યારે શ્રૃચીની આ અંતિમ ઈચ્છાને પૂર્ણ કરવા ગ્રીન મેન ઑફ ગુજરાત તરીકે જાણીતા અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અમુલ્ય યોગદાન આપી અનેક એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકેલા સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ સુધીરભાઈ દેસાઈ આગળ આવ્યા છે. વિરલભાઈએ શ્રૃચીને પર્યાવરણ સંરક્ષણ માટે શરૂ કરેલા ક્લીન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા અભિયાન હેઠળ હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. તેઓ શ્રૃચીના હસ્તે 2500થી વધું વૃક્ષો વાવીને શ્રૃચીના સંકલ્પને સિદ્ધ કરવા પ્રયત્ન કરશે. પર્યાવરણની જાગૃતિ સાથે અસંખ્ય વૃક્ષ વાવીને જાગૃતતા ફેલાવવામાં આવશે.

શ્રૃચી વડાલીયા બ્રેન ટ્યૂમર જેવી કેન્સરની અસાધ્ય બીમારીથી પીડાઈ રહી છે. જ્યારે તેણે આ બીમારીની ખબર પડી ત્યારે આ વાત તે સ્વિકારવા તૈયાર ન હતી. એક બે નહીં 25થી વધું તબીબો પાસે રિપોર્ટ કરાવ્યા પણ સૌનું પરિણામ એક જ આવ્યું બ્રેન ટ્યૂમર! ત્યારે શ્રૃચીએ વાસ્તવિકતા સ્વીકારી લીધી. પરંતું પોતે જીવીત રહેવા માંગતી હોઈ તે કેવી રીતે શક્ય બને? ત્યારે આજે કેન્સર માટેનું સૌથી મોટું કારણ પ્રદૂષણ હોવાથી આ પ્રદૂષણને જ દૂર કરવા માટે શ્રૃચી વધુમાં વધું વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો, જેથી મૃત્યુ બાદ પણ તે લોકોના શ્વાસમાં જીવી શકે.

મીડિયા અહેવાલો થકી જ્યારે આ વાતની ગ્રીન મેન ઑફ ગુજરાત વિરલ દેસાઈને ખબર પડી તો તેમને શ્રૃચીની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવાનું નક્કી કર્યું અને શ્રૃચીને પોતાનું ક્લીન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા અભિયાન જે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અંતર્ગત ચાલી રહ્યું છે તેની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનું નક્કી કર્યું.

વિરલ દેસાઈએ જણાવ્યું કે શ્રૃચી અને તેમનો ઉદ્દેશ્ય એક જ છે વધુમાં વધું વૃક્ષો વાવો અને પર્યાવરણનું સંરક્ષણ કરો. ત્યારે શ્રૃચી વિશે સાંભળ્યા બાદ મે શ્રૃચીને ક્લીન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો નિર્ણય લઈ લીધો.

ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈ એક દાયકા થી પણ વધુ સમયથી કેન્સર કેમ્પ, પર્યાવરણ જાળવણી અને ઊર્જા સંરક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છે. અત્યાર સુધી તેઓ 26 હજાર વૃક્ષો વાવી ચૂક્યા છે અને 4800 થી વધુ ટ્રી ગાર્ડ લગાવી ચુક્યા છે અને વાવેલા વૃક્ષોનું જતન પણ કરી રહ્યા છે. આ ઉપરાંત ઉધના રેલ્વે સ્ટેશનને ભારતનું પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશન બનાવવાનું શ્રેય પણ વિરલ દેસાઇને જાય છે. પર્યાવરણ અને ઊર્જા સંરક્ષણ ક્ષેત્રે તેમને કરેલા કાર્યોને લઈ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવી ચૂક્યા છે. એટલું જ નહીં તાજેતરમાં બ્રિટિશ પાર્લામેન્ટ ખાતે વિરલ દેસાઈને ભારત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.