તાલીબાનો સાથેની શાંતિ મંત્રણા રદ્દ કરતા ટ્રમ્પ, આ રહ્યા કારણો

કાબુલમાં અમેરિકીએ સૈનિકની હત્યા બાદ ડૉનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં તાલીબાન સાથે શાંતિ પ્રક્રિયાની વાતચીત તત્કાળ રદ્દ કરી નાખી છે. આ બાબતની જાણકારી તેમણે પોતાના એક ટિ્‌વટર દ્વારા આપી હતી. ટ્રમ્પે ટિ્‌વટમાં લખ્યું હતું કે, કાબુલમાં એક હુમલામાં અમારા એક મહાન સૈનિક અને 11 લોકોના મોત થયા છે. હું તત્કાળ અસરથી બેઠક રદ્દ કરૂ છું અને શાંતિ સમજુતિ પણ બંધ કરૂ છું. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, પોતાની સોદાબાજીની સ્થિતિને મજબુત કરવા માટે આટલા બધા લોકોને કેવી રીતે મારી શકે?

ટ્રમ્પે આગળ ઉમેર્યું હતું કે, તેમણે (તાલીબાન) સ્થિતિને વધારે ખરાબ બનાવી દીધી છે. જો તેઓ આ મહત્વપૂર્ણ શાંતિ વાર્તા દરમિયાન સંઘર્ષ વિરામ માટે સહમત નહીં થાય અને ત્યાં સુધી કે 12 નિર્દોષ લોકોની હત્યા કરી શકે તો કદાચ તેઓ એક સાર્થક સમજુતી પર વાતચીત કરવાની ક્ષમતા નથી ધરાવતા. તેઓ હજી વધુ કેટલા વર્ષ માટે લડવા તૈયાર છે?

ટ્રમ્પે ટિ્‌વટમાં ઉમેર્યું હતું કે તાલીબાનના મોટા ગજાના નેતા અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ રવિવારે ગુપ્ત રીતે કેમ્પ ડેવિડમાં તેમને મળવા માટે આવી રહ્યાં હતાં. આજે રાત્રે તેમણે અમેરિકા આવવાનું હતું. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, લાભ ખાટવા તેમણે આમ કર્યું.