સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર હરિકૃષ્ણ પટેલે તાજીયા જુલુસ અને ગણેશ વિસર્જન યાત્રાને લઈ મહત્વનો સંદેશો વીડિયો મારફત મોકલ્યો છે. તેમણે સુરતીઓને કોમી એક્તા અને ભાઈચારા સાથે ગણેશ વિસર્જન અને તાજીયાનું જુલુસ કાઢવાની અપીલ કરી છે અને સુરતીઓની કોમી એક્તાની ભાવનાની સરાહના કરી હતી.
તેમણે કહ્યું કે સુરતમાં પર્યાવરણ લક્ષી ગણેશ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે તે ખૂબ જ સરાહનીય છે. ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો પ્રમાણે નદીમાં મૂર્તિઓનું વિસર્જન નહીં કરવાના નિર્ણયને આગળ વધારવામાં આવી રહ્યું છે અને ક્રાંતિકારી પગલા ભરવામાં આવી રહ્યા છે.
સાંભળો શું કહ્યું સુરતના પોલીસ કમિશનરે?
તેમણે કહ્યું કે સુરતીઓ હંમેશ કોમી એક્તા અને ભાઈચારા સાથે રહેતા આવ્યા છે. 12મીએ ગણેશ વિસર્જન અને 10મી તારીખે મહોર્રમના પર્વે તાજીયાનું જુલુસ નીકળવાનું છે. સંતો-મહંતોની આગેવાનીમાં ગણેશ વિસર્જન યાત્રા નીકળશે.
તેમણે કહ્યું કે પાંચ ફૂટ કરતાં વધારાની ઉંચાઈ ધરાવતી મૂર્તિઓનું ભીમપોર, ડૂમસ અને હજીરાના દરિયામાં ફરજિયાત વિસર્જન કરવામાં આવશે અને આ નિર્ણયનો કડકાઈથી અમલ કરવામાં આવશે. જ્યારે બાકીની મૂર્તિઓને શહેરના ઝોન વાઈસ બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને બન્ને પર્વો શાંતિથી ઉજવાય તેના માટે પોલીસ તંત્ર સજાગ છે.