નવા મોટર વ્હીકલ એક્ટ 2019ના દંડનો અમલ ગુજરાતમાં થયો નથી ત્યાર પહેલા વિરોધનો વંટોળ જાગ્યો છે. રાજ્યના 6 મોટા રીક્ષા યુનિયનની બેઠક યોજાઈ હતી જેમાં આગામી સમયમાં આ દંડનો જો અમલ કરવામાં આવશે તો 16 લાખ રીક્ષાના પૈડા થભાવી દેવાની ચીમકી ઉચ્ચારાઈ છે. રીક્ષા ચાલકોએ પણ સરકારના નવા નિયમનો વિરોધ કર્યો છે.
રાજ્યના વિવિધ ઓટો રીક્ષા ચાલકોના સંગઠનના મહાસંઘ ગુજરાત ઓટો રીક્ષા ડ્રાઈવર એકશન કમિટીના પ્રમુખ અશોક પંજાબીએ આ કાયદાને રાક્ષસી જોગવાઇ ગણાવી હતી. અશોક પંજાબીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓમાં સુધારો કરીને નવા દંડની રકમની જાહેરાત કરવામાં આવે. સરકાર કરોડો વાહન ચાલકોમાં અનુશાસનના નામે ભયનું વાતાવરણ ફેલાવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના ખિસ્સામાંથી કરોડો રૂપિયા સરકાવીને પોતાની તિજોરી ભરવા માંગે છે.
તેમણે કહ્યું કે આ સમગ્ર દંડની જોગવાઈ પાછી ખેંચવા આવે તેવી માગણી કરીએ છીએ. પૂર્વ આઇપીએસ અધિકારી રાજન પ્રિયદર્શનીએ વ્હીકલ એક્ટ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ હતું,, કે આ કાયદાથી પોલીસ અને વાહનચાલકોમાં ઘર્ષણના બનાવ વધશે. તેમજ પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધશે. આ કાયદો લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને લૂંટવાનો લાગી રહ્યો છે. ટ્રાફીક સમસ્યા સરળ કરવાનો નહીં.