ચંદ્ર પર સુરક્ષિત છે વિક્રમ લેન્ડર, સંપર્કનો કરાઇ રહ્યો છે પ્રયાસ, આપમેળે ઉભું થઈ શકે છે

ચંદ્રયાન-2ને લઈ મોટી ખબર મળી રહી છે. ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયા બાદ આશાનું કિરણ જાગ્યું છે. ઈસરો દ્વારા સંપર્ક કરવાની સતત કોશીશ કરવામાં આ રહી છે અને ઓર્બિટર સાથે લેન્ડરને કનેક્ટ કરવાના ભરચક પ્રયાસો જારી છે. આ સ્થિતિમાં ઈસરોને મોટી સફળતા મળી છે. ઓર્બિટર દ્વારા મોકલવામા આવેલા ફોટોમાં લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી સહી સલામત જોવા મળ્યું છે. લેન્ડર વિક્રમમાં કોઈ ભાંગફોડ થઈ નથી અને તે સુરક્ષિત છે. જોકે, ઈસરો દ્વારા લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાના તમામ પ્રકારની પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

લેન્ડર વિક્રમ માટે ભલે સોફ્ટ લેન્ડીંગના બદલે હાર્ડ લેન્ડીંગ થઈ હોય પણ તે ભાંગ્યું નથી. તસવીરમાં લેન્ડર વિક્રમ સલમાત જોવા મળી રહ્યું છે.

ઈસરોના મિશન સાથે જોડાયેલા અધિકારીનો દાવો છે કે ઓર્બિટરના ઓન બોર્ડ કેમેરા દ્વારા મોકલવામાં આવેલી તસવીરોમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે જે જગ્યાએ લેન્ડર વિક્રમનું લેન્ડીંગ થવાનું હતું ત્યાં લેન્ડરનું હાર્ડ લેન્ડીંગ થયું છે. ઓર્બિટરના ફોટોમાં લેન્ડરને એક ટૂકડા રૂપે જોવા મળે છે. લેન્ડર ટૂકડે ટૂકડે થયું નથી. તે ચંદ્રની સપાટી પર ઢળેલી સ્થિતિમાં છે. અધિકારીએ કહ્યું કે અમે દરેક પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે કે ગમે તે રીતે લેન્ડર સાથે સંપર્ક ફરીથી બહાલ થાય.

લેન્ડર વિક્રમને પોતાની રીતે ફરીથી ઉભો કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપમેળે વિક્રમ લેન્ડર ઉભૂં થઈ જશે તો એ સાયન્સની દુનિયામાં ભારત માટે મોટી અને ઔતિહાસિક સિદ્વી ગણાશે.