નર્મદા અને તાપી ડેમ 6.50 કરોડ ગુજરાતીઓની જીવાદોરી,પરંતુ પાણીના સાચા હકદાર નેત્રંગના આદિવાસીઓ વંચિત

દ.ગુજરાતના નર્મદા જિલ્લામાં અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના પ્રયાસોના કારણે નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમનું કરોડો રૂપિયાના ખર્ચે નિમૉણ કરવામાં આવ્યું હતું,અને તાપી જીલ્લામાં તાપી નદી ઉપર પણ કરોડો રૂપિયાના ખર્ચે ઉકાઈ ડેમનું નિમૉણ કરાયું હતું,જેમાં નર્મદા ડેમમાંથી કેનાલના મારફતે ઉ.ગુજરાતના છેક છેવાડાના વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ વિસ્તાર સુધી પીવા અને સિંચાઈનું પાણી પહોંચવામાં આવ્યું હતું,અને હાલમાં જરૂરિયાત મુજબ પાણી મળી રહેતા જે-તે વિસ્તારમાં માનવવસ્તીના જીવનધોરણમાં ઘણો સુધારો જણાઈ રહ્યો છે,જ્યારે તાપી ડેમમાંથી 450 કરોડના ખર્ચે નર્મદા જીલ્લાના ડેડીયાપાડા-સાગબારા તાલુકાના ગામે-ગામ ઘરદીઠ પીવાના સગવડો ઉભી કરવાની યોજનાની કામગીરી પુરજોશમાં ચાલી છે,જે પ્રશંસનીય બાબત છે.

મુખ્યત્વે ગુજરાત સરકારે ભરૂચ જિલ્લાના વાલીયા અને ઝઘડીયા તાલુકામાંથી 76 ગામો અલગ પાડી નવો નેત્રંગ તાલુકો બનાવ્યો હતો,જેમાં નવો નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા તાત્કાલિક ધોરણે કરોડો રૂપિયાના ખર્ચે તાલુકા સેવા સદન,તા.પંચાયત,મહિલા આઇટીઆઇ,સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિત નેત્રંગ પો.સ્ટેશનના મકાનના નિર્માણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, પરંતુ કમનસીબે નેત્રંગ તાલુકાના 78 ગામોમાં વસવાટ કરતાં સવા લાખથી વધુ લોકોને કાયમી પીવા અને સિંચાઈ માટેનું પુરતું પાણી મળે તે પ્રકારની કામગીરી કરવામાં પીછેહઠ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે,જેમાં આદિવાસી વિસ્તારમાં આવેલો નેત્રંગ તાલુકો નર્મદા અને તાપી ડેમની મધ્યમાં છે,પરંતુ આજદિન સુધી ગરીબ લોકોને પીવા અને સિંચાઈ માટે બંને ડેમમાંથી એક ટીપું પાણી મળ્યું નથી,બંને ડેમના પાણીના સાચા હકદાર આદિવાસીઓ છે.

આઝાદીના 70 વર્ષ બાદ બંનેમાંથી આદિવાસીઓને પાણી માટેની વ્યવસ્થા કરવામાં સરકાર નિષ્ફળ રહી હોય તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે, જ્યારે રાજ્ય સરકાર ધ્વારા નેત્રંગ તાલુકામાં પીવા માટેના પાણી માટે ગામે-ગામ બોર,કુવા,તળાવ અને ચેકડેમ બનાવાય છે,પરંતુ ભારે ગોબાચારી થઇ રહ્યાના અહેવાલ મળ્યા છે,અને બલદવા,પીંગોટ અને ધોલી ડેમના કુલ 4000 હેક્ટર જમીનના વિસ્તારમાંથી માત્ર 700 હેક્ટર જમીનને સિંચાઈ માટેનું પાણી અપાઈ છે,તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકાના વસવાટ કરતાં લોકોના જીવનધોરણની હાલત દિવસેને દિવસે બદતર બની રહી છે,પરંતુ રાજ્ય સરકાર અને સિંચાઈ વિભાગના જવાબદાર લોકો ધ્વારા ધ્વારા નેત્રંગ તાલુકામાં વસવાટ કરતાં લોકો માટે પીવા અને સિંચાઈ માટેના પાણીની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યા છે, જેથી ધરતીપુત્રોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

કરજણ-વાડી સુધીની પાઇપલાઇન યોજના માનવવસ્તી માટે છેલ્લી ગાડી

દ.ગુજરાતના ખેડૂતોની લાંબી લડત બાદ રાજ્ય સરકાર ધ્વારા કરજણથી વનમંત્રીના ગામ વાડી સુધી પાઇપલાઇન મારફતે સિંચાઈ અને પીવાના પાણી માટેની યોજનાનો પ્રારંભ કયૉ હતો,અને પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ પણ થઇ ગઇ હતી,પરંતુ છેલ્લા કેટલાક સમયથી કામગીરી બંધ પડ્યાના અહેવાલ મળ્યા છે,અને ખેડુતોને પાક અને જમીનનું વળતર પણ ચુકવવામાં આવ્યું નથી,તેવા સંજોગોમાં કરજણ-વાડી સુધીની પાઇપલાઇન યોજના ખાડે ગઇ તો વધુ બદતર  હાલત બની જશે,જેથી આ યોજનાને માનવવસ્તી માટે છેલ્લી ગાડી ગણવામાં આવી રહી છે.