MP સરકારનું પ્રેશર? નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા, છોડાયું 8 લાખ ક્યુસેક પાણી, 40 ગામોમાં એલર્ટ

મધ્યપ્રદેશના ખંડવામાં ભારે વરસાદને પગલે ઇન્દિરાસાગર ડેમના 12 ગેટ અને ઓમકારેશ્વર ડેમના 16 ગેટ ખોલાયા છે. જેથી નર્મદા ડેમમાં 6.61 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જેને પગલે નર્મદા ડેમના 23 દરવાજા 3.6 મીટર સુધી ખોલીને આઠ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી ઘટાડીને 136.02 મીટર કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે મધ્યપ્રદેશના પ્રેશરમાં નર્મદા ડેમને સપાટીને મેઈનટેઈન કરવામાં આવી રહી છે.

મધ્યપ્રદેશ સરકારે ગુજરાત સરકારને ડેમમાં પાણીનો વધુ સ્ટોરેજ કરવા બાબતે ચેતવણી આપી છે. હાલ એમપીમાં 60 ગામોમાં ડેમના કારણે જબંબાકારની સ્થિતિ નિર્માણ થવા પામી છે. એમપી સરકારે ગુજરાત સરકાર પર ડેમ ભરવાની શરતો તોડવાનો આરોપ મૂક્યો છે.

અત્યાર સુધી નર્મદા ડેમની સપાટી 136.22 મીટર હતી, જોકે ડેમમાંથી પાણી છોડીને ડેમની સપાટી ઘટાડીને 136.02 મીટર કરવામાં આવી છે. નર્મદા ડેમમાં હાલ 4870 એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી છે. નર્મદા નદીની સપાટી હાલ 25.25 ફૂટ ઉપર પહોંચી છે.

નર્મદા ડેમમાંથી આઠ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. નર્મદા નદી કાંઠાના વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 40થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અને તંત્ર દ્વારા ટીમો પણ ખડકી દેવામાં આવી છે. ગોરા બ્રિજ પર પાણીમાં ગરકાવ થઇ ગયો છે. જેથી બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.