સુરત: ટ્રાફીકમાં અડચણરૂપ 99 ગણેશ મંડપને નોટીસ

સુરતમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આશરે 70 હજાર કરતાં વધુ ગણેશ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. સુરતમાં શેરીને ચૌટે ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને રસ્તાઓ પર મંડપો બાંધવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા જાહેર રસ્તાઓ પર બાંધવામાં આવેલા 99 જેટલા ગણેશ મંડપોને નોટીસ આપવામાં આવી છે. ફાયર ઓફીસર વસંત પરીખે જણાવ્યું કે ટ્રાફીક અંગે લોકોમાં જાગૃતિ અને ગણેશ મંડપ ટ્રાફીકની અવરજવરમાં અડચણરૂપ ન બને તેના માટે ફાયર સેફ્ટીથી લઈને ટ્રાફીક અંગે 99 ગણેશ મંડપોને નોટીસ આપવામાં આવી છે.

તેમણે કહ્યું કે રસ્તા પર અડચણરૂપ મંડપોના કારણે ઈમરજન્સી સેવાઓ જેવી 108, એમ્બ્યુલન્સ, ફાયર અને પોલીસ વિભાગને મુશ્કેલીઓ નડે છે. લોકોમાં આ અંગે જાગૃતિ લાવવાના હેતુથી નોટીસ આપવામાં આવી છે.