જનતાએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફટકાર્યો 50 કરોડનો મેમો, જાણો વધુ

રાજકોટમાં લોકો વહીવટી તંત્ર અને શાસકોથી હેરાન થઈ ગયા છે ત્યારે લોકોએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને 50 કરોડનો મેમો ફટકાર્યો છે. આ 50 કરોડ રૂપિયા આરએમસીએ જનતાના ખાતામાં જમા કરે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.

રાજકોટ કોંગ્રેસ દ્વારા સિટીના રસ્તાઓ અને અન્ય સુવિધા પુરી પાડવામાં નિષ્ફળ ગયેલા ભાજપ શાસન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મસમોટો મેમોનું બેનર બનાવી રાજકોટ મ્યુનિ.કચેરી સુધી ધસી ગયા હતા. કોંગ્રેસના કાર્યકરોએ ભ્રષ્ટાચાર બંધ કરો, લોકોને સુવિધા આપોના નારા પણ લગાવ્યા હતા.

વિરોધ પ્રદર્શનમાં નોંધપાત્ર હાજરીમાં લોકો જાડોયા હતા. કોંગ્રેસે ડિમાન્ડ કરી છે કે આ 50 કરોડ રૂપિયા લોકોના ખાતામાં જમા કરવામાં આવે. લોકો ટેક્સ ભરે છે અને પુરેપૂરી સુવિધા આપવામાં આવી રહી નથી. રજૂઆતઓ અને ફરીયાદો કરવામાં આવી હોવા છતાં સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવી રહ્યું નથી.

કોંગ્રેસનો આક્ષેપ છે કે લોકોની સમસ્યાઓ પ્રત્યે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન આંખ આડા કાન કરી રહી છે. રાજકોટ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હોમટાઉન હોવા છતાં રસ્તાઓ અને અન્ય સુવિધાને બૂમરાણ મચી રહી છે છતાં તંત્રના પેટનું પાણી પણ હાલી રહ્યું નથી.