ભરૂચના આમોદમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો મગર, પછી શું થયું જાણો

આજથી ત્રણ દિવસ પહેલાં ભરૂચના ચાવજ ખાતે રેલવે ટ્રેક પર મગર આવી ચઢયો હતો. આખી ટ્રેન રોકી દેવી પડી હતી અને આજે ભરૂચનાં જ આમોદમાં રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. મગરને જાળી નાંખી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના આમોદના ભીમપુરા ગામમાં રહેણાંક વિસ્તાર નજીક આવેલા તળાવમાં મગર દેખાતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો તેમજ આવનાર દિવસોમાં ગણેશ મહોત્સવ હોવાથી આમોદના ગણેશ મંડળો પડવા સુદ દશમના દિવસે આમોદના તળાવ ખાતે વિસર્જન કરતા હોવાથી ગામ પંચાયત ભીમપુરાને વિનંતીના અનુસંધાને આમોદ વનવિભાગને મગર પકડવા માટે રજૂઆત કરી હતી.

આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારી કિરપાલ સિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ તળાવ ખાતે પાંજરૂ મૂકવામાં આવ્યું હતું. અનિલ ચાવડાએ ભારે જહેમત બાદ અંદાજિત સાતેક ફુટ લાંબા મગરને પકડી પાડ્યો હતો. મગર પાંજરે પુરાતા આસપાસના વિસ્તારના લોકો મગરને જોવા માટે ઉમટી પડ્યા હતા. મગરને પાંજરે પુરી વનવિભાગે કદર ડેમના પાછળના પ્રાકૃતિક વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યો હતો. વન વિભાગે ભીમપુરા ગામના રહેણાંક વિસ્તારની નજીક આવેલા તળાવમાંથી મગર પકડી પાડતા ગણેશ મંડળો ભયમુક્ત થયા હતા.