અજીત ડોભાલની જાહેરાત: જમ્મૂ-કાશ્મીરમાંથી 92.5 ટકા પ્રતિબંધો હટાવાયા, 230 પાકિસ્તાની આતંકીઓ ખીણમાં ફરી રહ્યા છે

નેશનલ સિક્યોરીટી એડવાઈઝર અજીત ડોભાલે શનિવારે દાવો કર્યો હતો કે મોટાભાગના કાશ્મીરીઓ કલમ-370ને રદ્દ કરવાના મોદી સરકારના નિર્ણયને સમર્થન આપી રહ્યા છે. કેટલાક લોકો જ આનો વિરોધ કરી રહ્યા છે. કાશ્મીરીઓને ભવિષ્યમાં ઉજ્જવળ તકો, આર્થિક પ્રગતિ અને રોજગારીની આશા બંધાઈ છે.

પત્રકારો સાથે વાત કરતા અજીત ડોભાલે કહ્યું કે જમ્મૂ-કાશ્મીરમાં અપેક્ષા કરતા સ્થિતિ બહુ ઝડપથી સુધરી રહી છે. ઓગષ્ટમાં માત્ર એક જ ઘટના બની છે, જેમાં એક યુવાનનું મોત નિપજ્યું છે. જોકે, મોતને ભેટેલો યુવાન ગોળીથી મર્યો ન હતો. પીએમ રિપોર્ટમાં આવ્યું છે કે યુવાનનું મોત સખત પદાર્થ વાગવાને કારણે થયું છે.

તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો ભૌગોલિક વિસ્તારનો 92.5 ટકા વિસ્તાર પ્રતિબંધ મુક્ત કરવામાં આવ્યો છે અને રાજ્યમાં 100 ટકા લેન્ડલાઇન લાઈન કાર્યરત થઈ ગઈ છે. આ ઉપરાંત ખીણમાં 199 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ફક્ત 10 જ જગ્યાએ પ્રતિબંધિત ઓર્ડર છે, બાકીના કોઈ વિસ્તારોમાં પ્રતિબંધનાત્મક આદેશ નથી.

જ્યારે ખીણમાં સૈન્યની હાજરી વિશે પૂછવામાં આવ્યું, તો અજીત  ડોભાલે કહ્યું કે તે ફક્ત આતંકવાદીઓ સામે લડવા પૂરતા મર્યાદિત છે, જ્યારે પોલીસ અને કેન્દ્રીય સૈન્ય જાહેર વ્યવસ્થાને સંભાળી રહ્યા છે. “જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય અત્યાચારનો સવાલ ઉભો જ થતો નથી. ફક્ત રાજ્યની પોલીસ અને કેટલાક કેન્દ્રિય સૈન્ય જાહેર હુકમનું સંચાલન કરી રહ્યા છે, ભારતીય સેના આતંકવાદીઓ સામે લડવા માટે છે.

વળી, તેમણે પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે પાકિસ્તાન અવરોધો ઉભા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. “ખીણમાં 230 પાકિસ્તાની આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની જાણકારી છે. કેટલાકે ઘુસણખોરી કરી છે જ્યારે કેટલાકની ધરપકડ કરવામાં આવી છે. ”ડોભાલે જણાવ્યું હતું કે સરકાર કાશ્મીરીઓના જીવનને પાકિસ્તાની આતંકવાદીઓથી બચાવવા માટે કટિબદ્ધ છે, પછી ભલે તેમને પ્રતિબંધો લાદવા પડે. તેમણે ઉમેર્યું હતું કે, પાકિસ્તાન અશાંતિ પેદા કરવા માટેનું એકમાત્ર સાધન છે.

ડોભાલે વધુમાં કહ્યું કે સરહદ પર 20 કિલોમીટરની રેન્જમાં પાકિસ્તાની કમ્યુનિકેશન ટાવર્સ છે, પાકિસ્તાન સંદેશા મોકલવાનો પ્રયાસો કરી રહ્યો છે. કેટલાક મેસેજ આંતરવામાં આવ્યા છે. આ મેસેજમાં સાંભળવા મળી રહ્યું છે કે સફરજનની કેટલી ટ્રક ચાલે છે, આ ટ્રકને રોકી શકાય એમ નથી. અમે તમને બંગડીઓ મોકલીશું.

રાજકીય નેતાઓને કસ્ટડીમાં રાખવા અંગે ડોભાલે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના રાજકીય નેતાઓ પર ફોજદારી ગુના અથવા રાજદ્રોહનો આરોપ લાગ્યો નથી, જ્યાં સુધી લોકશાહી કાર્ય કરવા માટેનું વાતાવરણ ન સર્જાય ત્યાં સુધી રાજકીય નેતાઓને કસ્ટડીમાં રાખવામાં આવશે અને બની શકે છે કે ટૂંક સમયમાં બહાર આવી શકે છે.