રાજકોટમાં અનેક ગુનામાં સંડોવાયેલો અને સતત વિવાદમાં રહેતો બિલ્ડર કમલેશ રામાણીએ ફરી લખણ ઝળકાવ્યા છે. રાજકોટના કાલાવડ રોડ પરના તુલીપના ફ્લેટમાંથી કમલેશ મુસ્લિમ યુવતી સાથે નશાખોર હાલતમાં ઝડપાયો છે. કમલેશ ફ્લેટમાં યુવતી સાથે દારૂની મહેફીલ માણી રહ્યો હતો તેવી ચર્ચા થઇ રહી છે. ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસે દરોડો પાડી તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
કમલેશ રામાણી સાથે ઝડપાયેલી યુવતીનું નામ ફિરોઝા છે અને તે પરિણીત છે. મોરબીથી ફ્લેટ જોવા આવી હોવાનું ફિરોઝા રટણ કરી રહી છે. ફિરોઝાએ દારૂ પીધો છે કે નહીં તે મેડિકલ રિપોર્ટ આવ્યા પછી જ બહાર આવશે. હાલ તે કમલેશની જાણિતી મિત્ર હોવાની ઓળખ આપી છે.
થોડા દિવસ પહેલા યુનિવર્સિટી રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસે હવામાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં કમલેશરામાણીએ ફાયરિંગ કર્યાનું ખુલ્યું હતું. જેથી સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળ પર જઇ તપાસ કરી હતી. યુનિવર્સિટી પોલીસ મથકમાં કમલેશ રામાણી સામે એટ્રોસિટી અને ફાયરિંગનો ગુનો નોંધાયો હતો.
આ પહેલા પણ કમલેશ રામાણી સામે અનેકગુનાઓ નોંધાયા છે. અગાઉ યુવતીનો ચહેરો કદરૂપો કરવા બિલ્ડર કમલેશ રામાણીએ સોપારી આપી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી. તેમજ દારૂ, બિયર અને સેક્સ સિડી સાથે યુવતીઓ ઝડપાઇ હતી. જે શહેરનો ટોક ઓફ ધ ટાઉન કેસ રહ્યો હતો. આ કેસમાં પણ કમલેશ રામાણીનું નામ ઉછળ્યું હતું.