પાછલા કેટલાક સમયથી પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટના કાયદાને લઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ નહીં પહેરાનારા લોકો સાથે પોલીસ ગુનેગારની જેમ વર્તન કરી રહી છે. પોલીસના વર્તનના વિરોધમાં રાજકોટમાં લોકોએ આજે હેલ્મેટ તોડી નાંખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. અને ચીમકી ઉચ્ચારી હતી કે જો પોલીસનું જોર-જુલમ ઓછો નહીં થાય તો સમગ્ર મામલાને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે અને જેલભરો આંદોલન કરતાં પણ ખંચકાટ અનુભવાશે નહીં.
દેશના કેટલાક રાજ્યોમાં ટ્રાફીકના નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે. જોકે, ગુજરાત સરકારે નવા કાયદા લાગુ કરવા મામલે કોઈ નિર્ણય કર્યો નથી. પણ રાજકોટમાં પાછલા કેટલાક દિવસથી હેલ્મેટ અને સીટ બેલ્ટને લઈ પોલીસ ખાતા દ્વારા મેમો અને ભારે દંડ કરવામાં આવી રહ્યા છે. આના કારણે રાજકોટ પોલીસ કમિશનરની કચેરી બહાર રાજકોટ મતદાર એકતા મંચની આગેવાનીમાં ત્રણ દિવસથી ઘરણાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આજે આ ધરણાની સાથે ગુસ્સામાં આવેલા લોકએ હેલ્મેટનો ભૂક્કો બોલાવી દીધો હતો અને પોતાના વિરોધ પ્રગટ કર્યો હતો.
રાજકોટ મતદાર એકતા મંચના અશોક પટેલના જણાવ્યા પ્રમાણે સિટી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું જરૂરી નથી, છતાં પોલીસ દ્વારા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્રણ દિવસના ધરણા દરમિયાન ગુજરાતના દરેક વ્યક્તિને આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે અને લોકોને સામેલ કરી સહી ઝૂંબેશ કરી સમગ્ર મામલાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે. નોંધનીય છે કે 2005-2006માં અશોક પટેલ અને અન્ય 30 લોકોને ફરજિયા હેલ્મેટના વિરોધમાં પ્રદર્શન કરવા માટે સજા કરવામાં આવી હતી અને તેમણે જેલની સજા કાપી હતી.