પ્રતિબંધિત સંગઠન ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા(સીમી)ના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. શાહીદ બદ્રની ગુજરાત પોલીસે ગુરૂવારે રાત્રે ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાંથી ધરપકડ કરી હતી. શાહીદ બદ્ર પર વર્ષ 2001માં ઉશ્કેરણીજનક ભાષણ આપવા મામલે કચ્છ જિલ્લાના ભુજ-એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શાહીદ બદ્ર વિરૂદ્ધ છ વર્ષ અગાઉ કોર્ટે ધરપકડ વોરન્ટ જાહેર કર્યું હતું. જેના આધારે ગુજરાત પોલીસે આ કાર્યવાહી કરી છે. શાહીદ બદ્રને ગુજરાત પોલીસ પહેલા યુપીના સ્થાનિક પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. જ્યાં શાહીદ બદ્રના વકીલ તથા સમર્થકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
ડો. શાહીદ બદ્ર ઉત્તર પ્રદેશના મનચોભા ગામનો રહેવાસી છે અને પુત્ર બદરે આલમ શહેરની બદરકા કર્બલા મેદાન નજીક દવાખાનુ ધરાવે છે. તેમના જણાવ્યા અનુસાર તેઓ નિત્યક્રમ પ્રમાણે જ ગુરૂવારે સાંજે પોતાનુ દવાખાનુ બંધ કરી ઘરે જઇ રહ્યા હતા ત્યારે રાત્રે આઠ વાગ્યે ગુજરાત પોલીસ તેમના ઘરે પહોંચી હતી અને વોરંટના આધારે ધરપકડ કરી સ્થાનિક પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. જ્યાંથી હવે તેને ગુજરાત લાવવામાં આવશે.