પાછલા બે દિવસથી હવામાન ખાતાએ ગુજરાતમાં ભાર વરસાદની આગાહી કરી છે. આગાહીના પરિણામ સ્વરૂપ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પણ દ્વારકાના કલ્યાણપુરના મોટા આસોટા ગામમાં આજે સવારે જાણે કે વાદળ ફાટ્યું હતું અને માત્ર ચાર ક્લાકમાં જ પંદર ઈંચ વરસી ગયો હોવાનો રેકોર્ડ સર્જાયો હતો. રસ્તાઓ નદી બની ગયા હતા અને ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું.
સર્વત્ર પાણીની જાણ થતાં જ તંત્રવાહકો હરકતમાં આવી ગયા હતા. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અવિરત વરસી રહેલા વરસાદના કારણે મોટાપાયા પર નુકશાનના સમાચારો મળી રહ્યા છે. જેનો સરવે કરવામાં આવશે. પાણી ઉતર્યા બાદ સરવે કરાશે. આસોટા ગામનો આજુબાજુના ગામોથી સંપર્ક તૂટી જવા પામ્યો હતો.
મોટા આસોટામાં ભારે વરસાદના કારણે ગામના તમામ તળાવ અ ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જોકે, વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા પાકને પણ મોટાપાયા પર નુકશાન થયું છે. ગામના વડીલે કહ્યું કે મોટા આસોટામાં અત્યાર સુધી આવો વરસાદ કદી પડ્યો નથી. ભારે વરસાદના કારણે ગામલોકોમાં ભયનું લખલખું પસાર થઈ જવા પામ્યું છે.