ગુજરાત બનશે ઓટો હબ: ચીનની કંપની કરી રહી છે સાત હજાર કરોડનું રોકાણ

ગુજરાત હવે ઓટો હબ બનવા તરફ ડગ માંડી રહ્યું છે. ઉડતી કારના પ્રોજેક્ટ માટે ગુજરાતમાં કંપનીએ સરવે શરૂ કર્યો છે. MG મોટર્સ બાદ ચીનની એક અન્ય ઓટો કંપની ગ્રેટ વોલ મોટર્સ ગુજરાતમાં રોકાણ માટે આવી રહી છે. એસયુવી, ઇલેક્ટ્રોનિક વાહનો અને ટ્રક બનાવતી ગ્રેટ વોલ મોટર્સ ગુજરાતમાં સાત હજાર કરોડ રૂપિયા કરતાં વધુનું રોકાણ કરવા તત્પર છે. કંપનીના પ્રતિનિધિઓ આવતા સપ્તાહે ગુજરાતમાં સ્થળ પસંદગી માટે આવી રહ્યા છે.

સૂત્રોની માહિતી પ્રમાણે ગ્રેટ વોલ મોટર્સને ગુજરાત સરકાર માંડલ બેચરાજી વિરમગામ અથવા ધોલેરા સરમાં રોકાણ માટેના સ્થળો તરીકે દર્શાવશે. ગુજરાત સરકાર પોતાની મેગા જાયન્ટ ઉદ્યોગ પોલિસી પ્રમાણે ગ્રેટ વોલ મોટર્સને કરવેરા મુક્તિ સહિતના લાભ આપશે. ભારતમાં અને તેમાંય ગુજરાતમાં રોકાણ કરવાનો ઇરાદો કર્યાં પહેલાં કંપનીએ પાંચ વર્ષ સુધી માર્કેટનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ આ નિર્ણય લીધો છે.2011માં નરેન્દ્ર મોદીએ ચીનની મુલાકાત દરમિયાન આ કંપનીએ ગુજરાતમાં રોકાણ માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી.