પહેલી સપ્ટેમ્બરથી અમલમાં આવેલા ટ્રાફીકના નવા કાયદા હેઠળ હરિયાણા પોલીસે ટ્રાફીકના નિયમો તોડનારા 343 જણ પાસેથી અત્યાર સુધીમાં 52 લાખ રૂપિયા દંડ તરીકે વસૂલ કર્યા હતા તો ઓરિસામાં માત્ર ચાર દિવસમાં 88 લાખ રૂપિયા દંડ તરીકે વસૂલ થયા હોવાનું જાણવા મળ્યું હતું.
દેશના વિવિધ શહેરોમાં શિક્ષિત લોકો પણ ટ્રાફીક અવરોધાય એ રીતે વાહનો હંકારે છે. કેટલાકની પાસે લાયસન્સ હોતું નથી તો કેટલાક ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા નથી. કેટલાક લોકો કાર ચલાવતી વખતે મોબાઇલ પર બેધડક વાતો કરતાં હોય છે તો કેટલાક કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધતા નથી. કેટલાકને સિગ્નલ તોડવાની ખોટી ટેવ પડી ગઇ હોય છે.
આવા અનેક નાના મોટા અપરાધો હવે સજાને પાત્ર થઇ ગયા છે. નવા કાયદા હેઠળ પોલીસને ઘટના સ્થળેજ દંડ વસૂલ કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. એકલા પાટનગર નવી દિલ્હીમાં પહેલી સપ્ટેંબરે એક જ દિવસમાં 39 હજાર ગુનેગારો ઝડપાયા હતા અને દરેકને ત્યાં ને ત્યાં દંડ કરવામાં આવ્યો હતો.