અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની ફરી એકવાર ED દ્વારા પૂછપરછ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની ઇડી દ્વારા ગુરુવારે ફરીથી પૂછપરછ કરવામાં આવી છે. પાંચ હજાર કરોડ રૂપિયાના કથિત બેન્ક કૌભાંડમાં ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વડોદરા સ્થિત સાંડેસરા બંધુઓની સ્ટર્લીંગ બાયોટેકના નાણાકીય વ્યવહાર અંગે મની લોન્ડરીંગની તપાસમાં ફૈઝલ પટેલ ગુરુવારે ફરીવાર ઈડી સમક્ષ હાજર થયા હતા.

ફરાર સાંડેસરા બંધુઓ દ્વારા પ્રમોટ કરવામાં આવેલી કંપની સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ (એસબીએલ) દ્વારા કરોડોની બેંક છેતરપિંડી અને ત્યારબાદ મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને ફરી એક વખત સમન્સ પાઠવવામાં આવ્યું હતું.

અધિકારીએ નામ ન આપવાની શરતે ઉમેર્યું કે ફૈઝલ પટેલને સોમવારે સાંડેસરા બંધુઓ સાથેના સંબંધો અંગે સ્પષ્ટતા માંગી છે.  કંપનીના ભૂતપૂર્વ કર્મચારી સુનીલ યાદવે એન્ટી મની લોન્ડરિંગ એજન્સીને જણાવ્યું હતું કે ચેતન સાંડેસરાની સૂચનાથી તેણે નવી દિલ્હીના માર્કેટ વિસ્તારમાં ફૈઝલના ડ્રાઈવરને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા.

ગયા અઠવાડિયે ફૈઝલ પટેલની તપાસ કરવામાં આવી હતી, પરંતુ ફૈઝલ પટેલ પાસેથી ચોક્કસ માહિતી મેળવવા માટે ફરીવાર પૂછપરછ કરવામાં આવી છે.

સાંડેસરા બંધુઓ નાઇજીરીયામાં છુપાયેલા હોવાનું માનવામાં આવે છે અને ભારતીય એજન્સીઓ તેમને પ્રત્યાર્પણ કરવા માટે પ્રયાસ કરી રહી છે. ઈડીના સૂત્રોએ જણાવ્યું કે ફૈઝલ પટેલનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ નોંધવામાં આવ્યું છે, કેમ કે અગાઉ ત્રણ વખત ફૈઝલ પટેલનું નિવેદન નોંધવામાં આવ્યું છે. ઈડી દ્વારા ફૈઝલ પટેલ અને સાંડેસરા બંધુઓ વચ્ચેના કથિત વ્યવહારની તપાસ કરવામાં આવી રહી છે.

એજન્સીએ જુલાઈ માસમાં આ જ રીતે અહેમદ પટેલના જમાઇ ઇરફાન સિદ્દીકીનું નિવેદન નોંધ્યું હતું. અહેમદ પટેલ ગુજરાતના કોંગ્રેસ રાજ્યસભાના સાંસદ છે અને દેશની સૌથી જૂની પાર્ટીના ખજાનચી પણ છે. તેઓ અગાઉ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સચિવ હતા.