CCTV: વારાણસીમાં ગુંડારાજ, ફિલ્મી સ્ટાઈલમાં હત્યા, દિવ્યાંગ દિલીપ પટેલ પર ગોળીઓનો વરસાદ

એક તરફ યોગી સરકારે પત્રકારોની પાછળ પોલીસને લગાવી દીધી છે તો બીજી તરફ ગુંડાતત્વો બેફામ બન્યા છે. વારાણસીમાં ગુંડારાજ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. ગુંડાઓએ ડર રાખ્યા વિના જ ફિલ્મી સ્ટાઈલમાં આવીને વારાણસીના કૈંટ પોલીસ સ્ટેશનની હદમાં આવતા મડવા ગામમાં સનસનાટીપૂર્ણ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે. આ ઘટનાના સીસીટી ફૂટેજ પણ સામે આવ્યા છે.

સીસીટીવીમાં જોવા મળે છે તેમ એક ગુંડાએ સફેદ શર્ટ, પેન્ટ અને હેલ્મેટ પહેર્યું છે. તો એની પાછળ લાલ શર્ટ અને જીન્સની પેન્ટ પહેરેલા હુમલાખોરે રૂમાલ બાંધી મોઢું સંતાડ્યું છે. સફેદ શર્ટ પહેરનાર હુમલાખોરે પોતાની કમરમાં લટકાવેલી પિસ્તોલ બહાર કાઢી અને એક પછી એક દે ધનાધન ફાયરીગં કરી ચા-પાનની દુકાન ચલાવતા યુવાનની હત્યા કરી નાંખી.

આ કોઈ ફિલ્મનું દ્રશ્ય ન હતું પણ પીએમ મોદીના લોકસભા ક્ષેત્ર વારાણસીના મડવા ગામમાં બનેલી ઘટના છે. આ ઘટનામાં જેની હત્યા કરવામાં આવી તે આ જ ગામમાં રહેતો 30 વર્ષીય દિવ્યાંગ દિલીપ પટેલ છે

દિલીપ પટેલ રોજની જેમ ત્રીજી તારીખે ગોમતીમા આવેલી પોતાની નાનકડી દુકાન પર આવ્યો હતો. અંદાજે 2.43 મીનીટે બે હુમલાખોર આવ્યા અને દિલીપ પર અંધાધૂંધ ફાયરીંગ કરીને તેને મોતને ઘાત ઉતારી દીધો. આ ઘટનામાં અન્ય એક યુવાનને પણ ગોળી વાગી છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે.

આ ઘટના અંગે એસએસપી આનંદ કુલકર્ણીએ જણાવ્યું કે ઘટનાનું કારણ અંગત અદાવત છે. કેટલાક દિવસ પહેલાં ગ્રામ પ્રધાન રાજેશના અપહરણની ઘટના બની હતી. આ ઘટનામાં દિલીપ અને અન્ય લોકોએ ગ્રામ પ્રધાનનો સાથ આપ્યો હતો. ગ્રામ પ્રધાનને સાથ આપવાની શંકાને લઈ તેની હત્યા કરવામાં આવી છે. ઘટનામાં હુમલાખોર તરીકે ઝુન્ના પંડીત અને રવિ પટેલ હોવાનું બહાર આવ્યું છે. જે પ્રધાનનું અપહરણ કરવામાં આવ્યું હતું તેમને સુરક્ષા પુરી પાડવામાં આવી રહી છે. દિલીપ પટેલ તેમની સાથે કામ કરતો હતો.