ટ્રાફીકના નવા નિયમો કેમ કરીને ગુજરાતમાં લાગુ કરાય? CM રૂપાણી કરી રહ્યા છે મહામંથન

દેશભરમાં ભારે વિરોધ વચ્ચે મોટર વ્હીકલ એક્ટનો નવો કાયદો લાગુ થયો છે. આ કાયદામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ભારે દંડ અને સજાની જોગવાઈઓ છે. દિલ્હીમાં કેટલાક વાહન ચાલકો અને ટ્રક ચાલકને હજારો રૂપિયાનો દંડ થયો છે. આ ઘટના બાદ દેશમાં આકરો વિરોધ સામે આવી રહ્યો છે. જોકે, ગુજરાત રાજ્યમાં હજુ આ કાયદાનું અમલીકરણ બાકી છે.  મુખ્યપ્રધાન રૂપાણી રાજ્યના અધિકારીઓ સાથે આ મામલે મંથન કરશે.

રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટનું અમલીકરણ કેવી રીતે કરાવવું અને તેની તૈયારીઓ અંગે સીએમ રૂપાણી વાહન વ્યવહાર વિભાગ, ગૃહ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતીમાં મંથન કરશે. આ કાયદાનો સોશિયલ મીડિયામાં 24 કલાકથી ખૂબ વિરોધ થઈ રહ્યો છે.

ગઈકાલે આ મામલે દિલ્હીમાં રાજકારણ પણ ગરમાયું છે. દિલ્હીની નજીક આવેલા ગુરૂગ્રામમાં એક ટ્રક ચાલકને જુદા જુદા નિયમોના ભંગ બદલ રૂપિયા 59,000નો દંડ થયો છે. જ્યારે દિલ્હીમાં એક સ્કૂટી ચાલકને 23 હજારનો દંડ થયો હતો. સ્કૂટી ચાલકનો મામલો દેશમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. આ મામલે સ્કૂટી ચાલકે પોતાના વાહનની કિંમત રૂપિયા 15,000 જ હોવાનું જણાવ્યું હતું જ્યારે તેને 23 હજાર રૂપિયાનો દંડ થયો હોવાથી તે વાહન મૂકીને જતો રહ્યો હતો.

ટ્રાફિકના નવા નિયમો લાગૂ થયા બાદ ઓડિશામાં એક રીક્ષા ચાલકને દારૂ પીને વાહન ચલાવવું ભારે પડ્યું છે. ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં એક રીક્ષા ચાલકને ટ્રાફિકના નિયમો તોડવા બદલ પોલીસે  47,500નો દંડ ફટકાર્યો છે. આધેડ ઉંમરના રીક્ષા ચાલક હરિબંધુ કાન્હર પર પોલીસે દારૂપીને રીક્ષા ચલાવવા સહિત ટ્રાફિકના અનેક નિયમો તોડવાનો આરોપ લગાવ્યો છે. કાન્હરનું કહેવું છે કે તેણે ફક્ત 25 હજારમાં જૂની રીક્ષા ખરીદી હતી. તેનું કહેવું છે કે તેની ભૂલ ફક્ત એટલી જ હતી કે તેણે દારૂ પીને ગાડી હંકારી હતી.