નર્મદા ડેમમાં પાણીની પાંચ લાખ ક્યુસેકની આવક, માઉન્ટ આબુનો તળાવ બે વર્ષ બાદ ઓવરફ્લો, વાપીમાં બારે મેઘ ખાંગા

દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્ય અને દેશના કેટલાક ભાગોમાં દેમાર વરસાદ નોંધાયો છે. વાપીમાં આભ ફાટ્યું હતું જ્યારે નર્મદા ડેમમાં પાણીની જોરદાર આવક થતાં દરવાજા ફરી ખોલવામાં આવ્યા છે.

આખા વલસાડ જિલ્લામાં પાછલા 24 ક્લાકમાં 12 ઈંચ વરસાદ પડી ગયો છે. જ્યારે વલસાડમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ગઈ રાત્રે મેઘરાજાએ કરેલી બેટીંગથી લોકોમાં દહેશત ઉભી થઈ જવા પામી હતી. પાણી ભરાતા વાપી ટાઉન અને જીઆઇડીસીને જોડતા રેલવે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે રેલવે ઓવર બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે, આજે સવારથી વરસાદે વિરામ લીધો છે અને જનજીવન ફરી ધબકતું થઈ જવા પામ્યું છે. એક માત્ર વાપીમાં જ 10થી 12 ઈંચ વરસાદ પડી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સારા વરસાદને પગલે માઉન્ટ આબુનું નક્કી લેક ઓવરફ્લો થઈ જવા પામ્યું છે. બે વર્ષ બાદ નક્કી લેક ફરી ઓવરફ્લો થતા સહેલાણીઓની સંખ્યામાં વધારો થયો.

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થતાં 135.65 મીટરની સપાટીએ. ડેમનાં 21 દરવાજા ખોલાયા. ઉપરવાસમાંથી 5 લાખ 3 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. ગોરા બ્રિજ ફરીથી બંધ કરવામાં આવ્યો હતો. ગણદેવીમાં 152 મીમી, નવસારીમાં 60મીમી અને ખેરગામમાં 80 મીમી વરસાદ નોંધાયો હતો.