74 વર્ષની એક મહિલાને પોતાના લગ્નના ૫૪ વર્ષ બાદ માતા બનવાનું સુખ મળ્યું છે. આ મહિલા મોટી ઉંમરમાં માતા બનવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા જઈ રહી છે. સામાન્ય રીતે કહેવાય છે કે મોટી ઉંમરે મહિલા માતા બની નથી શકતી. પરંતુ આ ઘટનાએ આવી તમામ માન્યતાઓને ખોટી સાબિત કરી દીધી છે.
માતા બનનારી મહિલાનું નામ એરામતી મંગયામ્મા છે અને તેના પતિનું નામ રાજા રાવ છે. યેરામતી અને રાજારાવ ગુંટૂરના નેલાપારથીપાડુ વિસ્તારના રહેવાસી છે. ૨૨ માર્ચ ૧૯૬૨ના રોજ તેમણે પ્રભુતામાં પગલા માંડ્યા હતા. દરેક દંપતિની જેમ તેમણે પણ લગ્ન બાદથી બાળક માટે પ્રયત્ન કરવાનું શરૂ કર્યું હતું તેમ છતા તેમને આમાં સફળતા મળતી નહતી.
અથાગ પ્રયત્નો કર્યા બાદ તેઓ નિરાશ થઈ ગયા હતા અને માતા-પિતા બનવાનું તેમનું સપનું તૂટી ગયું હતું. આખરે આટલી મોટી ઉંમરે પહોંચીને આ દંપતિ સાથે ચમત્કાર થતા તેમનું અધુરું સપનું પૂર્ણ થયું છે. થોડા દિવસ પહેલા જ તેમના પડોશમાં રહેતી એક ૫૫ વર્ષની મહિલા આઈવીએફ ટેક્નોલોજી દ્વારા માતા બની હતી ત્યારબાદથી મંગયામ્માના મનમાં પણ માતા બનવાની ઈચ્છાઓ ફરીથી જાગી હતી.
ત્યારબાદ દંપતિ ગુંટૂરની એક પ્રાઈવેટ હોસ્પિટલ અહલ્યા નર્સિંગ હોમમાં પહોંચ્યા હતા અને અહીં તેઓએ આઈવીએફ એક્સપર્ટ ડોક્ટર સંકયાલા ઉમાશંકર સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ડોક્ટર્સે યેરામતી રાજા રાવના સ્પર્મ એકઠા કર્યા અને આઈવીએફ ટેક્નોલોજી દ્વારા કામ કરવાનું શરૂ કર્યું. ખુદ ડોક્ટર્સને પણ વિશ્વાસ નહતો કે આટલી મોટી ઉંમરે મહિલા ગર્ભધારણ કરી શકશે.
આખરે ડોક્ટર્સની મહેનત રંગ લાવી અને મંગયામ્મા ગર્ભવતી બની હતી. ત્યારબાદથી મંગયામ્માને સતત તે જ નર્સિંગ હોમમાં ડોક્ટર્સના અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી હતી. આજે સવારે ૧૦.૩૦ વાગ્યે ડોક્ટર્સે સિઝેરીયન ઓપરેશન કરીને જોડકા બાળકોને જન્મ આપ્યો હતો.