વાડ જ ચીભડા ગળવા લાગી: વડોદરા ભાજપના ધારાસભ્યના પુત્રની ગેસ એજન્સીમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું

વડોદરા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય અને શહેર ભાજપના વરિષ્ઠ નેતા જીતેન્દ્ર સુખડિયાના પુત્રની ગેસ એજન્સીમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. ધારાસભ્ય સુખડિયાના પુત્રની એજન્સીના કર્મચારીઓ શહેરના સમા વિસ્તારમાંથી ગેસ ચોરતાં ઝડપાયા છે. જોકે, ધારાસભ્ય સુખડિયાએ આ અંગે સ્પષ્ટતા કરી છે કે એજન્સીનું સંચાલન કોન્ટ્રાક્ટરે ગેરરિતી આચરી હોવાનું જણાવ્યું છે.

ગેસ એજન્સીની આ હરકતને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ગેસ એજન્સીના કર્મચારી ગોડાઉનથી ગેસની બોટલો લઈ નીકળતાં હતા. તેઓ ગોડાઉની બહાર પરથી બોટલો રીફિલ કરતા સમયે ગેસની ચોરી કરતા હતા. આ મામલે સ્થાનિકોએ પુરવઠા વિભાગને ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પુરવઠા વિભાગે કર્મચારીઓ વિરુદ્ધ હૅપ્પી હોમ એજન્સીને નોટિસ પાઠવી છે.

ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ જણાવ્યું હતું કે ’આ એજન્સી મારા પુત્રની છે પરંતુ તેણે સપ્લાય માટે કોન્ટ્રાક્ટ આપેલો છે. કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દ્વારા આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. મારો દીકરો આવું કામ કદી ન કરે. મેં મારા પુત્રને સૂચના આપી છે કે કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવે અને પુરવઠા વિભાગ જે કોઈ પણ પગલાં લે તેમાં સહકાર આપવો.’

વડોદરા કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે આ જ એજન્સીમાંથી અગાઉ બે ત્રણ વાર ગેસ ચોરીની ઘટના સામે આવી છે. આ કિસ્સામાં શાસક પક્ષના ધારાસભ્યની એજન્સીમાં આવી ઘટનાઓ બનતી હોય તો વાડ જ ચીભડા ગળી જાય છે. આ મામલે એજન્સીનું લાયસન્સ રદ કરવું જોઈએ.